વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja) ની જામીન અરજી પર આજે કોર્ટ ચૂકાદો (verdict) સંભળાવશે. પોલીસ (police) ઉપર ગાડી ચડાવી દઈ હત્યાના પ્રયાસનો યુવરાજસિંહ પર આરોપ છે. ગઈકાલે યુવરાજસિંહની જામીન અરજી પર ગાંધીનગર સેસન્શ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે અને આજે સાંજે કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરવાની છે. ત્યારે સૌની નજર તેના પર છે કે યુવરાજસિંહને જામીન મળશે કે પછી જેલમાં જ રહેવું પડશે. ગઈકાલે યુવરાજસિંહના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં કલમ-307 લાગી શકે તેમ નથી. પોલીસે ખોટો કેસ કર્યો છે જેથી તેમને જામીન આપવા જોઈએ. જેની સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં જામીન ન મળવા જોઈએ.
મહત્વનું છે કે ગત 5 એપ્રિલે સચિવાલયના ગેટ નંબર 4 પાસે વિદ્યાસહાયક ઉમેદવારોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. તે દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા. જોકે, પોલીસ વિદ્યા સહાયક ઉમેદવારોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તેમની પાછળ યુવરાજસિંહ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે વિદ્યાસહાયક ઉમેદવારોને ઉશ્કેર્યા હોવાનો તેમના પર આરોપ છે. તેમજ પોલીસ ઉપર ગાડી ચઢાવી દઈ હત્યાના પ્રયાસનો પણ ગુનો નોંધી પોલીસે યુવરાજસિંહની ધરપકડ કરી લીધી હતી. આ સમગ્ર ઘટના યુવરાજસિંહની ગાડીના સ્પાય કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. જેમાં પોલીસ જવાન કારની ટક્કર બાદ બોનેટ પર પડી જતાં જોઈ શકાય છે.
પોલીસે યુવરાજસિંહ સામે કલમ 322 અને કલમ 307 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે યુવરાજસિંહના મોબાઈલ જપ્ત કરીને FSLમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. જે બાદ સોશિયલ મીડિયામાં (Social Media) યુવરાજસિંહના સમર્થનમાં લોકો આવ્યા છે. લોકો યુવરાજસિંહને મુક્ત કરાવવાની મુહિમ ચલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ #ReleaseYuvrajsinh, #iSupportYuvrajsinh, #HuPanYuvrajsinh લખીને તેમને સમર્થન આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું, કે ઇરાદાપૂર્વક યુવરાજસિંહની ધરપકડ થઇ છે.
આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં આજે આવશે ચૂકાદો, ઘટનાના 63 દિવસમાં સજા સંભળાવાશે
આ પણ વાંચોઃ Ahmedabad: વહેલી સવારે ધુમ્મસ છવાયું, રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની શક્યતા નહિવત્
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 9:28 am, Sat, 16 April 22