રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 151 તાલુકાઓમાં મેઘમહેર થઇ, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

|

Sep 24, 2021 | 9:31 AM

Rain in Gujarat : રાજ્યમાં ઝોન અનુસાર પડેલા વરસાદ ની વાત કરીએ તો અત્યાર સુધીમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 97.70 ટકા વરસાદ પડી ચુક્યો છે.

GANDHINAGAR : રાજ્યમાં હાલ મેઘરાજાની કૃપા વરસી રહી છે. રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 151 તાલુકાઓમાં મેઘમહેર થઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જામનગરના જોડિયામાં પોણા 8 ઇંચ વરસાદ પડ્યો છે. અમીરગઢમાં 4 ઇંચ, નખત્રાણામાં 4 ઇંચ અને ગણદેવીમાં સાડા 3 ઇંચ વરસાદ પડ્યો છે. તો ઉમરપાડા, ચીખલી, વલાડ, અંજાર, અને કપરાડામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 81.34 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

રાજ્યમાં ઝોન અનુસાર પડેલા વરસાદ ની વાત કરીએ તો અત્યાર સુધીમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 97.70 ટકા વરસાદ પડી ચુક્યો છે. ઉત્તર ગુજરાતમાં 65.12 ટકા, મધ્ય ગુજરાતમાં 73.28 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 81.34 ટકા વરસાદ પડી ચુક્યો છે.

રાજ્યમાં હાલ ચોમાસું સક્રિય છે અને વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં હજી પણ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજસ્થાન ઉપર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અને આ સાથે જ 27 અને 28 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 14 ટકા વરસાદની ઘટ છે, પણ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં જલ્દી જ આ ઘટ પૂરી થઇ જશે.

આ પણ વાંચો : ત્રીજી લહેરની વાતો વચ્ચે ICMRના સર્વેમાં મોટો ખુલાસો, 75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે

આ પણ વાંચો : AHMEDABAD : ફરજિયાત રસીકરણના કારણે AMCને રોજનું 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન

Next Video