Gandhinagar: સરકારની વ્હારે આવેલા ગૃહપ્રધાન પ્રદિપસિંહે પાર પાડ્યુ તબીબોનું ઓપરેશન? પ્રથમ બેઠક હકારાત્મક

|

May 07, 2021 | 2:12 PM

Gandhinagar: વિવિધ 15 જેટલી માગોને લઇને હડતાળ પર ઉતરેલા મેડિકલ અધ્યાપકોની સરકાર સાથે બેઠક આંશિક રીતે સફળ રહી છે. હવે સરકાર અને મેડિકલ કોલેજના અધ્યાપકો વચ્ચે ફરી એક વખત બેઠક મળશે.

Gandhinagar: વિવિધ 15 જેટલી માગોને લઇને હડતાળ પર ઉતરેલા મેડિકલ અધ્યાપકોની સરકાર સાથે બેઠક આંશિક રીતે સફળ રહી છે. હવે સરકાર અને મેડિકલ કોલેજના અધ્યાપકો વચ્ચે ફરી એક વખત બેઠક મળશે. રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આજે અધ્યાપકોની સરકાર સાથે પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારે મેડિકલ કોલેજના અધ્યાપકોને બીજી બેઠક ન થાય તે પહેલા ઉપવાસ ન કરવાની ભલામણ કરી હતી. બેઠકમાં સરકારનો હકારાત્મક અભિગમ જણાતા મેડિકલ ટીચર્સ એસોસિએશને પણ ઉપવાસ ન કરવાનો નિર્ણય કર્યો છે.

જણાવવું રહ્યું કે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા 1700 સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી છે અને હડતાળનું હથિયાર ઉગામ્યું છે તબીબોની માગ છે કે તેઓને 2008થી બાકી રહેલી બઢતી અને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે.

મહત્વપૂર્ણ છે કે તબીબોએ પોતાની 15 જેટલી પડતર માગણીઓ સાથે સરકારને આવેદન આપ્યું છે જો માગ નહીં સંતોષાય તો તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તબીબો સરકાર સામે મોરચો માંડી ચૂક્યા છે પરંતુ આજદીન સુધી તબીબોને ઠાલા વચનો અને માત્ર હૈયાધારણા જ મળી છે.

ત્યારે આ વખતે તબીબો નમતું જોખે છે કે પછી સરકાર તેમને મનાવી લેવામાં સફળ થાય છે તે જોવું રહ્યું. જોકે તબીબોની હડતાળને પગલે મહામારી વચ્ચે આરોગ્યલક્ષી સેવાઓ પ્રભાવિત થાય તેવી શક્યતાઓ હતી જે વચ્ચે ગૃહપ્રધાન પ્રદિપસિંહે સમજાવટથી કામ લઈને હડતાળનું ઓપરેશન પાર પાડી દીધુ હતું.

Next Video