Gandhinagar: કોરોનાની સારવાર અને નિયંત્રણ માટે દરેક ધારાસભ્યોએ ઓછામાં ઓછા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે

|

May 06, 2021 | 11:15 PM

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના અદ્યતન સાધનો-મશીનરી ખરીદવા માટે રાજ્યના દરેક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે

Gandhinagar: મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના અદ્યતન સાધનો-મશીનરી ખરીદવા માટે રાજ્યના દરેક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે (MLA’s 50 lakh grant).

 

રાજ્યની સિવિલ હોસ્પિટલો-અન્ય સરકારી હોસ્પિટલો-દવાખાના તેમજ મહાનગરપાલિકા-નગરપાલિકા સંચાલિત હોસ્પિટલો દવાખાનાઓમાં કોવિડ-19 સારવાર હેતુ માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા આ ગ્રાન્ટની રકમ ફાળવવાની રહેશે.

 

 

ધારાસભ્યો પોતાના મત વિસ્તારની જિલ્લા સિવિલ હોસ્પિટલ-સામુહિક આરોગ્ય કેન્દ્ર-સબ ડ્રિસ્ટ્રીકટ હોસ્પિટલ માટે પણ કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-સારવાર સાધન-સામગ્રી માટે ગ્રાન્ટ વાપરી શકશે. ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ – સેવાભાવથી અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલતી હોય તેવી હોસ્પિટલો માટે પણ કોવિડ-19ની સ્થિતીમાં રૂ. 50 લાખની મર્યાદામાં ટ્રસ્ટના ફાળા વિના ધારાસભ્યઓની ગ્રાન્ટમાંથી અદ્યતન સાધન-સામગ્રીની ખરીદી થઈ શકશે. ધારાસભ્યો પોતાની સંપૂર્ણ ગ્રાન્ટ પણ આવા આરોગ્ય સાધનો-ખરીદી માટે આપી શકશે.

 

 

વર્ષ 2021-22ની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી મંજુર કરવામાં આવતા કામો માટે જ આ જોગવાઈઓ રહેશે. ધારાસભ્યઓની ઓછામાં ઓછી રૂ. 50 લાખની આ ગ્રાન્ટમાંથી જે સાધન-સામગ્રી કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અને સારવાર માટે ખરીદી શકાશે, તેમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર- 10 લીટર, હાઈ ફ્લો ઓક્સિજન થેરાપી ડિવાઈસ, બાઇ-પેપ મશીન, મલ્ટી પેરા મોનિટર, સિરિંજ ઈન્ફ્યુઝન પમ્પ(૧૦,ર૦,પ૦ એમ.એલ), લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક (6000 લીટર) અને પ્રેશર સ્વિંગ એબ્ઝોર્પશન -પી.એસ.એ. ઓક્સિજન જનરેશન યુનિટ (250 અને 500 લીટર)નો સમાવેશ થાય છે.

 

 

મહત્વના આ નિર્ણયથી ગુજરાતની આરોગ્ય સેવા વધુ વેગવાન બનશે, તેમજ હાલની કોરોના મહામારી સામે લડવા માટે ઘણી મહત્વની સાબિત થશે તેવી આશાઓ સેવાઇ રહી છે. આ સાથે  જો ગુજરાતમાં કોરોનાની સ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્યમાં 2 અને 3 મેના દિવસે 13 હજારની નીચે કોરોનાના કેસો નોંધાયા બાદ 4 મેના રોજ ફરી 13 હજારથી વધુ કોરોનાના નવા કેસો નોધાયા હતા પણ ત્યારબાદ 5 મે અને આજે 6 મે એ સતત બે દિવસ 13 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે અને સાથે 13 હજારથી વધુ કોરોના દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

 

 

રાજ્યમાં આજે 6 મેના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતમાં કોરોનાના સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 3,884, સુરતમાં 1039, વડોદરામાં 638, રાજકોટમાં 526, જામનગરમાં 397 અને ભાવનગરમાં 242 કોરોનાના નવા કેસ નોધાયા છે. આ મહાનગરો ઉપરાંત મહેસાણા જિલ્લામાં 482 નવા કેસો નોંધાયા છે.

Next Video