Rathyatra 2021: સુરતમાં સતત બીજા વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ ફરશે

સુરતમાં કોરોનાના કારણે સતત બીજા વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર પરિસરમાં જ ફરશે. અને મંદિરમાં મર્યાદિત સંખ્યામાં ભક્તો પરિસર રથયાત્રામાં જોડાશે.

Rathyatra 2021: સુરતમાં સતત બીજા વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ ફરશે
Lord Jagannath's Rath Yatra will be held in the temple premises in Surat
| Updated on: Jul 12, 2021 | 10:27 AM

દર વર્ષે અષાઢી બીજના દિવસે સુરતમાં છ રથયાત્રાઓ અલગ-અલગ સ્થળેથી યોજવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાય છે. જોકે કોરોના સમયમાં ગયા વર્ષે પણ આ રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે આ વર્ષે પણ તંત્રની કડક ગાઇડ લાઇનને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે પણ માત્ર મંદિરના પરિસરમાં જ તમામ રથ ફેરવવામાં આવશે.

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે વર્ષમાં એક જ વાર નગરચર્યાએ નીકળતા હોય છે. સુરતમાં છ સ્થળે ઇસ્કોન મંદિર, વરાછા ઇસ્કોન, અમરોલીના લંકાવિજય મંદિર, સચિન જગન્નાથ મંદિર, પાંડેસરાના જગન્નાથ અને મહિધરપુરાના ગોળીયા બાવા મંદિરની રથયાત્રા છેલ્લા કેટલાક વર્ષોથી કાઢવામાં આવે છે.

પરંતુ કોરોનાની મહામારીના કારણે તંત્રની કડક ગાઈડલાઈનને પગલે આ વર્ષે પણ મંદિરના પરિસરમાં જ રથ યાત્રા કાઢવાનો આયોજકો નિર્ણય લીધો છે. અને મંદિરમાં મર્યાદિત સંખ્યામાં ભક્તો પરિસર રથયાત્રામાં જોડાશે. વિધિવત પૂજા અર્ચના તેમજ આયોજકો દ્વારા ઘર બેઠાં લાઈવ પ્રસારણ નિહાળી શકે તે માટે ઓનલાઇન આયોજન પણ કરવામાં આવ્યું છે. મંદિરમાં પણ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને ભક્તો દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

ઇસ્કોન સંચાલક વૃંદાવન પ્રભુએ જણાવ્યું છે કે અષાઢી બીજના દિવસથી જગન્નાથ ભગવાનને વૃંદાવનના મુસ્લિમ કાર્યકરો દ્વારા તૈયાર કરેલા વાઘાથી શણગારવામાં આવે છે. 15 કારીગરોએ વાઘા પર ઝીણવટભર્યુ વર્ક કરીને તૈયાર કર્યા છે. સાથે જરદોશી વર્ક, ચાંદીના વરખ અને વિવિધ શણગાર લગાવીને વાઘાને આકર્ષક ઓપ આપવામાં આવ્યો છે. મુસ્લિમ કારીગરો છેલ્લા 25 વર્ષથી પેઢી દર પેઢી આ વાઘા તૈયાર કરતા આવ્યા છે.

નોંધનીય છે કે દર વર્ષે જોડાતી રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાય છે. આ વર્ષે પણ રથયાત્રા માટે પોલીસ દ્વારા કડક નિયમો બતાવવામાં આવ્યા હતા. જેમાં રથયાત્રામાં રથ ખેંચવા માટે ફક્ત 60 વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી હતી. વેકસીનેશન થઈ ગયું હોવા છતાં RTPCR ટેસ્ટ ફરજીયાત રાખવામાં આવ્યો હતો. જો કે રથયાત્રાના આયોજકોને તે મંજુર ન હોવાથી આખરે મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: Jagannath Rath Yatra LIVE Streaming: ભક્તો વગર નાથ નિકળ્યા નગરચર્યા એ, કાલુપુરને ક્રોસ કરી ગયા ત્રણેય રથ, સમય સાચવવા પોલીસ કડક બની

Published On - 8:47 am, Mon, 12 July 21