ધરોઈ જળાશય ખાતે ફિશરીઝની સબસિડીને લઈ ઈન્સ્પેક્શન માટે ફિશરીઝ કમિશ્નર પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલીક અનિયમીતતાઓ ધ્યાને આવતા એ અંગે શંકાઓ ઉપજતા ફિશરીઝ મંડળીઓના સંચાલકોને પૂછપરછ કરી હતી અને પૂર્તતા કરવા જણાવ્યુ હતુ. આ દરમિયાન ઉશ્કેરાયેલા એક શખ્શે પગમાં બચકુ ભરી લીધુ હતુ અને બાદમાં ફોન ઝૂંટવીને હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન IAS સાગવાન પાસે પોલીસ ફરિયાદ નહીં કરીએ તે પ્રકારણનુ લખાણ ડેમમાં નાંખી દેવાની ધમકીઓ આપીને પાણીની વચ્ચે જ લખાવી દીધુ હતુ. ઘટનાને લઈ સાબરકાંઠા ના વડાલી પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
વડાલી પોલીસે 3 આરોપીઓની આ મામલામાં ધરપકડ કરી છે અને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. વડાલી પોલીસે અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી છે અને આ માટે પોલીસની ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ એ જ IAS અધિકારી નિતીન સાંગવાન છે કે, તેઓને ગુજરાત સરકાર દ્વારા સરકારી વિમાન અને હેલિકોપ્ટરના દુરુપયોગને લઈ મહત્વની તપાસ સોંપી હતી.
મત્સ્યઉદ્યોગ વિભાગના અધિકારીઓ ગાંધીનગરથી ધરોઈ ડેમ ખાતે ઈન્સપેક્શન માટે પહોંચ્યા હતા. આ દરમ્યાન વડાલીના અંબાવાડા ગામ નજીક અધિકારી નિતીન સાંગવાન પર હુમલાની ઘટના બની હતી. અધિકારીઓની ટીમ બોટ મારફતે ધરોઈ ડેમમાં પહોંચી હતી અને જ્યા સરકારી સબસિડીની રકમથી ફિશીંગ કરવા માટેના કેઝની ગણતરી હાથ ધરી હતી. જેમાં કેટલીક અનિયમમીતતા જણાઈ હતી. જે પ્રમાણે સરકાર પાસેથી સબસિડી મેળવવામાં આવી હતી, એ પ્રમાણે સ્થળ પર ફિશીંગ કેઝ મોજૂદ હોવાને લઈ આશંકા જણાઈ હતી. સાથે જ સબસિડી રકમ અને મત્સ્ય ઉત્પાદન વચ્ચે પણ મોટો તફાવત જોવા મળતા વધુ આશંકાઓ પેદા થઈ હતી.
જેને લઈ અધિકારી સાંગવાન દ્વારા અનિયમીતતાની પૂર્તતા કરવા માટે જણાવ્યુ હતુ. દરમિયાન નિલેષ ગમાર નામના શખ્શે સાંગવાનના ઘૂંટણના ભાગે પગે બચકુ ભરી લીધુ હતુ. પોતાના વિરુદ્ધમાં કાર્યવાહી થવાના ડરથી આરોપી નિલેષે હુમલો કર્યો હતો, તેની સાથે હાજર અન્ય 4 શખ્શોએ પણ તેને મદદ કરીને હુમલો કર્યો હતો. પોલીસને બોલાવવા માટે ફોન કરતા મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો અને અધિકારીઓ પર હુમલો કર્યો હતો.
આરોપી શખ્શોએ ઈન્સ્પેક્શન કરી રહેલા અધિકારી નિતીન સાંગવાનને જીવતા પાણીથી બહાર જવુ હોય તો માફીનામુ લખી આપવા માટે ધમકીઓ આપી હતી. આરોપીઓએ અધિકારીને ડેમના પાણીમાં નાંખી દેવાની ધમકીઓ આપી હતી. જીવતા બહાર જવુ હોય તો લખાણ લખાવી લીધુ હતુ કે, આ મામલે સમાધાન થઈ ગયેલ છે અને જેની પોલીસમાં ફરિયાદ કરીશ નહીં.
સાંગવાનને બળજબરી પૂર્વક લખાણ લખાવીને તેની પર સહીઓ કરાવી લીધી હતી. આરોપી શખ્શોએ આ દરમિયાન વધુ 10 થી 12 અધિકારીઓને બોલાવીને પાણીમાં ધાકધમકીઓ આપીને લખાણ લખાવ્યુ હતુ.
અધિકારી પર હુમલાને પગલે તેઓએ સ્થળ પર જ બેહોશ થઈ ગયા હતા. આ દરમિયાન અન્ય અધિકારીઓએ સૂઝબૂઝ વડે અન્ય બોટની ત્વરીત વ્યવસ્થા કરીને ખાટલામાં સુવડાવી તેઓને બોટમાં સુવડાવીને કિનારા પર લઈ આવીને નજીકમાં મહેસાણાના સતલાસણાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
Published On - 3:09 pm, Wed, 8 March 23