ગુજરાતના દરેક ઓક્સિજન પ્લાન્ટ સરકારી અધિકારીની દેખરેખ હેઠળ મુકાયા

|

Apr 17, 2021 | 11:20 AM

કોરોનાના સંક્રમિત દર્દીઓને આપવામાં આવતા ઓક્સિજનને કારણે આરોગ્ય ક્ષેત્રે ઓક્સિજનની બહુ મોટી માંગ ઊભી થઈ છે, જેને ધ્યાને લઈને ગુજરાત સિવાયના રાજ્યોને હાલ ઓક્સિજનનો જથ્થો ના આપવાનો આદેશ કરાયો છે.

ગુજરાતમાં કોરોનાની સુનામીને કારણે ઓક્સિજનની ભારે માંગ ઊભી થઈ છે. ઓક્સિજનની માંગને પહોચી વળવા માટે ગુજરાત સરકારે રાજ્યમાં ઉત્પાદિત થતા ઓક્સિજનના જથ્થાનો, જ્યા સુધી કોરોનાની સ્થિતિ હળવા ના થાય ત્યા સુધી પૂરેપૂરો વપરાશ આરોગ્યક્ષેત્ર માટે જ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે ગુજરાત સરકારે રાજયમાં આવેલા તમામ ઓક્સિજન પ્લાન્ટને સરકારી અધિકારીની દેખરેખ હેઠળ મૂકી દીધા છે.

કોરોનાના નવા સ્ટેનના કારણે, કોરોના સંક્રમિત થનારા દર્દીને શ્વાસની ભારે તકલીફ ઊભી થાય છે. મોટાભાગના દર્દીઓ શ્વાસ લેવામાં તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે. પરંતુ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પણ ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે. આ અછતની સ્થિતિ નિવારવા માટે ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને કેટલાક નિર્દેશ આપેલા છે તો રાજ્ય સરકારે પણ ઓક્સિજનનો જથ્થો રાજ્ય માટે જ અનામત કરી દીધો છે.

ગુજરાતમાં આવેલા ખાનગી ક્ષેત્રના ઓક્સિજન પ્લાન્ટમાં ઉત્પાદિત થતો ઓક્સિજન, સરકારી અને ખાનગી હોસ્પિટલોને જ સપ્લાય કરવાના આદેશ કર્યા છે. તેના માટે દરેક પ્લાન્ટની જવાબદારી સરકારી અધિકારીને સોપી દેવાઈ છે. તો ઓક્સિજન પ્લાન્ટથી જે તે સ્થળ સુધી ઓક્સિજનનુ વહન કરનાર વાહનની જવાબદારી પોલીસને સોપવામાં આવી છે.

ગુજરાતમાં ફરી વળેલી કોરોનાની સુનામીને કારણે, સરકારી અને ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોમાં ઓક્સિજનનો વપરાશ વધીને 730 મેટ્રીક ટને પહોચ્યો છે. કોરોનાના સંક્રમિત દર્દીઓને આપવામાં આવતા ઓક્સિજનને કારણે આરોગ્ય ક્ષેત્રે ઓક્સિજનની મોટી માંગ ઊભી થઈ છે. આથી જ ગુજરાત સિવાયના અન્ય કોઈ રાજ્યોને હાલ ઓક્સિજનનો જથ્થો ના આપવા મુખ્યપ્રધાને આદેશ કર્યાં છે.

 

Next Video