ધરોઈ ડેમમાં પાણીની આવક વધવાને લઈ 4618 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ છે. ધરોઈ ડેમના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદને પગલે આવકમાં વધારો થવાને લઈ રુલ લેવલથી અડધો ફુટ વધારે જળસપાટી વધી હતી. જોકે હજુ પણ સાબરમતી નદીમાં આવક નોંધાવવાની સંભાવનાને ધ્યાને રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઈના ઉપરવાસ વિસ્તારમાં વરસાદી માહોલની સ્થિતિને જોઈ રુલ લેવલ જાળવવા માટે પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે.
અગાઉ ધરોઈ ડેમને રુલ લેવલ કરતા એક ફુટ વધારે ભરવા માટે ઉચ્ચ સ્તરેથી નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી ધરોઈ જળાશયનો જળસંગ્રહ વધારે કરી શકાય. જોકે આવકની સ્થિતિ અને તેના વધવાની સંભાવનાને ધ્યાને રાખીને પાણી છોડવામાં આવ્યુ છે. સવારથી બપોર સુધી આવકમાં ઘટાડો રહ્યા બાદ બપોરે 2 કલાકે આવકમાં ફરી વધારો નોંધાયો હતો.
સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ કાંઠા વિસ્તારના જિલ્લા અને તાલુકાઓને આ માટે ધરોઈ ડેમ તરફથી સાવચેત કરવામાં આવ્યા છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ જિલ્લાઓ અને કાંઠા વિસ્તારના તાલુકાઓને સાવેચતીના પગલા જાળવવા માટે સૂચના આપવામાં આવી હતી. સાબરમતી નદીમાં હાલમાં ચાર હજાર ક્યુસેક પાણી છોડવામા આવ્યુ છે. આ માટે એક મીટર કરતા વધુ દરવાજો ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક થવાની સંભાવનાને લઈ પાણી છોડવામાં આવ્યુ છે.
ધરોઈ ડેમની જળ સપાટી શનિવારે જ રુલ લેવલને વટાવી ચૂકી હતી. પરંતુ ઉચ્ચ સ્તરેથી ડેમમાં 619 ફુટ પાણીનો જળ સંગ્રહણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યુ હતુ. રવિવારે બપોર સુધીમાં જળ સપાટી 618.53 ફુટ નોંધાઈ હતી. પરંતુ બપોરે 2 કલાકે પાણીની આવક 9 હજાર ક્યુસેક કરતા વધી હતી. આ દરમિયાન બપોરે 4618 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ. બપોરે ત્રણ વાગ્યાના અરસા દરમિયાન આટલા જ પ્રમાણમાં આવક નોંધાવવાને લઈ આવક સામે એટલી જ જાવક નદીમાં પાણીની કરવામાં આવી હતી.
Published On - 3:36 pm, Sun, 30 July 23