Dahod: દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે (Indore Ahmedabad National Highway) પર દંપતીને અકસ્માત (Accident) નડ્યો હતો. રોંગ સાઇડથી આવતા અજાણ્યા વાહને મોપેડ પર જતા દંપતીને ટક્કર મારતા બન્ને ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઘાયલ મહિલાને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડાઇ હતી. પતિને ગંભીર ઈજાઓ થતા પ્રાથમિક સારવાર બાદ બરોડા ખસેડાવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાની સાથે જ દાહોદ રુરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
લીમડી, કારઠ, ટાંડી વિસ્તારોમાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં ચોમાસાની શરુઆતમાં મેઘરાજાની અવિરત કૃપા ઉતરી રહી છે. રાજ્યમાં પાછલા એક અઠવાડિયાથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. આ સાથે જ મધ્યગુજરાતમાં દાહોદ અને તેની આસપાસના વિસ્તારમાં મેઘરાજાએ ધમધમાટી બોલાવવાનું શરુ કર્યુ છે. દાહોદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ચોમાસાની શરુઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ હવે મેઘરાજાએ મધ્ય ગુજરાત પર પણ પોતાની કૃપા ઉતારી છે. મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા સહિતના વિસ્તારમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. દાહોદ જિલ્લામાં લીમડી પંથકમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. સમગ્ર રાજ્યમાં સામાન્યથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા શહેરના વાતાવરમાં પલટો જોવા મળ્યો હતો. શહેરમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. તો વડોદરામાં સયાજીગંજ, ફતેહગંજ, અલકાપુરી, નિઝામપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ તરફ બોરસદમાં પણ વરસાદી માહોલ યથાવત છે. તો દાહોદમાં પણ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે.