Cyclone Tauktae : હવે ઉત્તર ગુજરાતનો વારો, અમદાવાદને ધમરોળ્યા બાદ વાવાઝોડું મહેસાણા તરફ આગળ વધ્યું

|

May 18, 2021 | 7:43 PM

Cyclone Tauktae : ઉનાથી એન્ટર થયેલું વાવાઝોડું ગઈકાલ રાતથી ગુજરાતને ધમરોળી રહ્યું છે, વાવાઝોડાએ આજે અમદાવાદ શહેરને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યું છે.

Cyclone Tauktae : ઉનાથી એન્ટર થયેલું વાવાઝોડું ગઈકાલ રાતથી ગુજરાતને ધમરોળી રહ્યું છે, વાવાઝોડાએ આજે અમદાવાદ શહેરને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યું છે. અને, મહેસાણાને હવે ધમરોળશે. બાદમાં ઉત્તર ગુજરાત થઈને કાલ સવાર સુધી રાજસ્થાન પહોંચે પછી અસર ઓછી થવાની શક્યતા છે. જો કે આ દરમિયાન પવનની ઝડપ વધવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. સાથે જ ભારે વરસાદ પણ પડી શકે છે.

 

આમ તો અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ-તે’ વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આગામી 24 કલાક રાજ્યના વિવિધ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

મહેસૂલ સચિવે કહ્યું હતું કે વાવાઝોડું ધીમું પડી રહ્યું છે
રાજ્યના મહેસૂલ સચિવ પંકજ કુમારે સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી માહિતી આપતાં જણાવ્યું કે ગઇકાલે રાત્રે ગુજરાતમાં પ્રવેશેલું વાવાઝોડું ધીમું પડી રહ્યું છે. ગઈકાલે 160ની ગતિએ ત્રાટકેલા વાવાઝોડાની સ્પીડ હવે 70થી 80ની આસપાસ થઈ ગઈ છે. આ વાવાઝોડાએ બપોરનો સમય અમદાવાદમાં ગાળ્યો હતો. જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ નોંધાયો હતો. તો ભારે પવનને કારણે ઝાડ પડવાના અને હોર્ડિગ્સ ધરાશાઇ થવાના બનાવો પણ નોંધાયા છે. હાલ વાવાઝોડું અમદાવાદથી પસાર થઇ ગયું છે. અને મહેસાણા શહેર તરફ આગળ વધી રહ્યું છે. પરિણામે, આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. આજે મધરાત બાદ કે કાલે વહેલી સવાર પછી વાવાઝોડું ગુજરાત છોડી રાજસ્થાન ભણી જઈ શકે તેમ છે.

ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે
મોહંતીએ ઉમેર્યું કે આ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે તેથી ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે. આ વાવાઝોડું નબળું પડ્યું છે, પણ નાગરિકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવા માટે તેમણે અપીલ કરી હતી.

હવામાન વિભાગની આગાહીને પગલે વહીવટી તંત્ર સજ્જ
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું કે હવામાન વિભાગની આગાહી બાદ આગામી સ્થિતિ અંગે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે તેમજ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાના વહીવટીતંત્રને સજાગ રહેવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડું રાત્રે મહેસાણા શહેરમાં ખાબકશે.

Published On - 7:29 pm, Tue, 18 May 21

Next Video