કોરોનાથી મોત, સરકારી ચોપડે-સ્મશાનના ચોપડે નોંધાતા મોત વચ્ચે જમીન આસમાનનો તફાવત

|

Apr 06, 2021 | 11:41 AM

સરકારી તંત્ર કેમ કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના આંકડા છુપાવે છે ? રાજકોટમાં જ સારવાર માટે દાખલ થયેલા કોરોનાના Corona દર્દીઓમાંથી 66 દર્દીઓ તો છેલ્લા પાંચ જ દિવસમાં મૃત્યુ પામ્યા છે.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોના Corona મહારોગની સ્થિતિ વકરી ચૂકી છે. રોજબરોજ કોરોનાની સારવાર માટે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો કોરાનાને કારણે મૃત્યુ પામનારાઓની સ્થિતિ પણ વધી રહી છે. સરકારી ચોપડે જે કોઈ મોત બતાવવામાં આવે છે અને વાસ્તવિકમાં જે કોઈ મોત થાય છે તેમાં જમીન આસમાનનો તફાવત જોવા મળે છે.

સૌરાષ્ટ્રના મુખ્ય શહેર અને જિલ્લા એવા રાજકોટમાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર હોવાનું કહેવાઈ રહ્યું છે. હોળી બાદ રાજકોટમાં કોરોનાના દર્દીઓ નોંધાવવાની સ્થિતિ બમણી થઈ ચૂકી છે. રાજકોટમાં છેલ્લા 11 દિવસમાં જ કોરોનાના 102 દર્દીઓ નોંધાઈ ચૂકયા છે. આવા દર્દીઓમાંથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ એટલી જ ઝડપથી વધી રહી છે. માત્ર રાજકોટમાં જ સારવાર માટે દાખલ થયેલા કોરોનાના દર્દીઓમાંથી 66 દર્દીઓ તો છેલ્લા પાંચ જ દિવસમાં મૃત્યુ પામ્યા છે.

કોરોનાના લક્ષણો સાથે દાખલ થતા દર્દીઓમાંથી જે કોઈ સરકારી હોસ્પિટલમાં મૃત્યુ પામે છે તે આંકડાઓ છુપાવવામાં આવી રહ્યાં હોવાનુ સૌ કોઈ કહે છે. આ વાતને સાચી ઠેરવી રહ્યા છે સરકારી અને સ્મશાનના ચોપડા. સરકારી ચોપડે આગળીના વેઢે ગણી શકાય એટલી માત્રામાં જ મોત દર્શાવવામાં આવે છે. જ્યારે કોરોનાના મૃત દર્દીઓ કે જેમને પીપીઈ કીટમાં પેક કરીને સ્મશાને પહોચાડવામા આવે છે તે મૃતદેહની સંખ્યા સરકાર ચોપડે બતાવવામાં આવતી સંખ્યા કરતા વધુ છે.

સરકાર કેમ કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના આંકડા છુપાવે છે ? આ વાત ઠેર ઠેર ચર્ચાઈ રહી છે. સરકારી અધિકારીનું કહેવુ છે કે, કોરોનાની ફરિયાદ સાથે દાખલ થયાલે દર્દીઓમાંથી કેટલાક અન્ય રોગને કારણે પણ મૃત્યુ પામતા હોય છે. આથી કોરોનાના લક્ષણ સાથે દાખલ થયેલા દર્દી જો મૃત્યુ પામે તો તેમને અગાઉથી કોઈ જીવલેણ બિમારી હતી કે કેમ તે ચકાસીને તેમના ડેથ ઓડીટ કરવામાં આવે છે અને તેના આધારે આવા દર્દીઓના મોત કયા કારણથી થયા છે તે જાહેર કરવામાં આવે છે.

કારણ જે કોઈ હોય પણ એક વાત નક્કી થઈ ચૂકી છે કે, સરકારી કે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામતા કોરોનાના દર્દીઓ અને જે તે શહેરના સ્મશાનગૃહમાં લવાતા મૃતદેહની સંખ્યા વચ્ચે જમીન આસમાનનો તફાવત જોવા મળે છે.

રાજકોટમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓમાંથી કઈ તારીખે કેટલા નિપજ્યા મોત તેના પર કરીએ આંકડાકીય નજર.

26 માર્ચે 8
27 માર્ચે 6
28 માર્ચે 4
29 માર્ચે 6
30 માર્ચે 3
31 માર્ચે 9
1 એપ્રિલે 11
2 એપ્રિલે 12
3 એપ્રિલે 13
4 એપ્રિલે 14
5 એપ્રિલે 16

Next Video