થોડા દિવસ પહેલાં કોંગ્રેસ (Congress) માંથી રાજીનામું મૂકી દેનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશ પ્રવક્તા જયરાજ સિંહ પરમાર ભાજપ (BJP) માં જોડાશે તેવી અટકળો અને ચર્ચાઓ ચાલતી હતી અને જયરાજસિંહ પણ આ બાબતે કોઇ ફોડ પાડવા તૈયાર નહોતા પણ હવે ખુદ જયરાજસિંહે જ ટ્વિટ કરીને પોતે મંગળવારે ભાજપમાં જોડાવાના હોવાની જાહેરાત કરી દીધી છે. તેમણે લખ્યું છે કે મંગળવારના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે (Jayrajsinh Parmar) કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પૂર્વે બે પાનાનો પત્ર પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં પોતાનો બળાપો ઠાલવ્યો હતો . જયરાજસિંહે બે પાનાનો પત્ર લખી પ્રદેશ નેતા સામે સવાલ ઉઠાવ્યા હતા . તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં કોઈ જ સુધારો નથી થવાનો. તેમજ વિપરીત પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે 37 વર્ષ કામ કર્યું છે.
જયરાજસિંહ પરમાર ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો મુખ્ય ચહેરો ગણાતા હતા, પણ ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા ક્ષત્રિય મત પોતાના પક્ષે કરવા માટે જયરાજસિંહને પોતાના પક્ષમાં ખેચ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
તેમણે રાજીનામું આપતી વખતે તેમણે સોશિયલ મીડિયા પણ કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે કોંગ્રેસ એક વિશાળ સમુદ્રમાંથી કુવામાં ફેરવાઈ જવાની સ્થિતિ સુધી આવી ગઈ છે… મોટા ભાગના મહાનગરોમાં વિરોધપક્ષ નો દરજ્જો મેળવવાના પણ ફાંફા છે છતાં બહારની વાસ્તવિકતા સમજવા તૈયાર નથી. બીજી હરોળ ઉભી થાય તો પોતાનો ગરાસ લુટાઈ જાય એવુ જાણતા નેતાઓએ કોંગ્રેસના કી-બોર્ડમાંથી રીફ્રેશમેન્ટ બટન જ કાઢી નાખ્યુ છે. નવુ સ્વીકારવા, નવુ વિચારવા કે નવા લોકોને અજમાવવા પક્ષ તૈયાર નથી. મને લાગે છે કે વિચારશીલ, બૌધિક લોકોને કોંગ્રેસની હોજરી પચાવી શકવામાં અક્ષમ બની છે જેના કારણે સાચા-સારા અને સક્ષમ લોકો ધીરે ધીરે પક્ષ છોડી રહ્યા છે. જુદી જુદી સમિતિઓ બનાવવાની હોય ,નિરીક્ષકો નીમવાના હોય, ચુંટણી લડનારાઓની યાદી બનાવવાની હોય હંમેશા વર્ષો સુધી જુની યાદીની ઝેરોક્ષ કરાવી માથે મરાય છે. હા, જવાબદારીઓ બદલાય પણ બદલાયેલા સ્થાને ચહેરાતો એજ સામે આવે. જે નેતાઓ પોતાની જમીન સાચવી શક્યા નથી એમને જ જમીનદાર બનાવી કોંગ્રેસને પાંચ-પચીસ લોકોની જાગીર બનાવી દેવાઈ છે.
મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવાર ના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું..
જય હિંદ.. pic.twitter.com/FS8JZ9ZUSe— Jayrajsinh Parmar (@JayrajKuvar) February 20, 2022
મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવાર ના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું..
જય હિંદ..
આ પણ વાંચોઃ Ahmedabad: હાટકેશ્વર બ્રિજ પર આ વર્ષમાં ચોથુ ગાબડુ પડ્યુ, કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો
આ પણ વાંચોઃ Vadodara : પેરેન્ટ એસોસિએશન દ્વારા ઓફલાઇન શિક્ષણનો વિરોધ કરાયો
Published On - 12:23 pm, Sun, 20 February 22