Chhota Udepur : રાઠવા જાતિના દાખલા મુદ્દે વિવાદ, જિલ્લામાં ફરી આંદોલનના ભણકારા

|

Jun 13, 2021 | 6:46 PM

છેલ્લા કેટલાય વર્ષોથી રાઠવા જાતિ ઉપર આદિવાસી હોવા અંગે સવાલો ઉભા થયા છે. મોટાભાગના રાઠવા જાતિના લોકોના રેવન્યુ રેકોર્ડ ઉપર કોળી શબ્દ હોવાથી કેટલીક ગુંચવણ ઉભી થઇ છે.

Chhota Udepur : રાઠવા (Rathva) જાતિના દાખલા (caste certificates) મુદ્દે છોટાઉદેપુર જિલ્લામાં ફરી આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. આજે અનુસૂચિત જનજાતિના દાખલા સામે સવાલો ઉભા કરી સરકારી નોકરીમાં નિમણુંક ન અપાતાં 60 જેટલા ઉમેદવારોએ ભાજપ કોંગ્રેસના નેતાઓને રજૂઆતો કરી હતી.

છોટાઉદેપુર જિલ્લોએ આદિવાસી જિલ્લો છે. અને તેમાં સૌથી વધુ રાઠવા જાતિના લોકો વસવાટ કરે છે. અહીંથી ભાજપના લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા છે. અને કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય નારણભાઈ રાઠવા તેમજ જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પૈકી બે ધારાસભ્યો પણ રાઠવા જ છે. જેથી સમજી શકાય છે કે અહીં રાઠવા જાતિનું કેટલું પ્રભુત્વ છે.

પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી રાઠવા જાતિ ઉપર આદિવાસી હોવા અંગે સવાલો ઉભા થયા છે. મોટાભાગના રાઠવા જાતિના લોકોના રેવન્યુ રેકોર્ડ ઉપર કોળી શબ્દ હોવાથી કેટલીક ગુંચવણ ઉભી થઇ છે. કોળી શબ્દ હોવાથી સરકારી નોકરીમાં પસંદગી થયેલા રાઠવા જાતિના ઉમેદવારો ઉપર તેમના જાતિના દાખલા સામે વિશ્લેષણ સમિતિ દ્વારા નોટિસો પાઠવી નિમણુંક અટકાઈ દેવાઈ છે. તો કેટલાકની નોકરી શરૂ થઈ ગઈ છે. છતાં તેમણે નોટિસો આપી પુરાવા માંગવામાં આવી રહ્યાં છે.

2018માં એલ.આર.ડી.માં પસંદગી પામેલા 24 ઉમેદવારોને આજદિન સુધી નિમણુંક અપાઈ નથી. આ બાબતે ભાજપ કોંગ્રેસના નેતાઓની આગેવાનીમાં અનેક આંદોલનો થયા છતાં પ્રશ્નનો કોઈ હલ આવ્યો નથી.

રાઠવા જાતિના દાખલા મુદ્દે છોટાઉદેપુર જિલ્લામાં 2013થી આંદોલનો થઈ રહ્યા છે. પરંતુ આજદિન સુધી પ્રશ્નનો કાયમી ઉકેલ આવ્યો નથી. પાછલા વર્ષોમાં ધરણાં પ્રદર્શન, રસ્તા રોકો આંદોલન સહિત, અનેક અહિંસક તેમજ હિંસક આંદોલનો થયા છે. આ મામલે કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે તો સરકારમાં પણ અનેકવાર રજૂઆતો કરાઈ છે. સમયાંતરે શાસનમાં બેસેલા નેતાઓ દ્વારા હૈયાધારણા આપી મામલાને થાળે પાડી દેવાય છે.

પરંતુ હવે જ્યારે ફરી કોરોનાનું જોર ઘટયું છે તેવામાં ફરી રાઠવા જાતિના ઉમેદવારો આંદોલનના તરફ જઈ રહ્યા છે, આજે છોટાઉદેપુર સ્થિત નારાયણ સ્કુલ ખાતે 60 જેટલા ઉમેદવારો રાઠવા જાતિના આગેવાનોને રજૂઆત કરવા આવી પહોંચ્યા. તો સમાજના પ્રશ્નને લઈ કોંગ્રેસના નારણભાઇ રાઠવાની સાથે ભાજપના રાઠવા જાતિના નેતાઓ પણ પક્ષ કરતાં સમાજને મહત્વ આપી રહ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad: આ કઈ રીતે વેક્સિન લગાવવા ગયો યુવાન? રસીકરણ અંગે જાગૃતિ માટે અનોખો પ્રયાસ

Published On - 6:43 pm, Sun, 13 June 21

Next Video