
અમદાવાદ શહેરમાં શાળાઓની સુરક્ષાને લઈને ફરી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી ઈસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થી પર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે.
માહિતી મુજબ, શાળામાં પરીક્ષા દરમિયાન બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન ત્રીજો વિદ્યાર્થી તેમને શાંત કરાવવા વચ્ચે પડ્યો હતો. જોકે, આ દરમિયાન એક વિદ્યાર્થીએ પરિકરથી હુમલો કરતાં વચ્ચે પડનાર વિદ્યાર્થીની આંખમાં ગંભીર ઈજા પહોંચી છે. આંખમાં પરિકર વાગતા વિદ્યાર્થીને દેખાતુ બંધ થઈ ગયું છે.
ઈજાના કારણે વિદ્યાર્થીને દેખાવામાં પણ તકલીફ પડી રહી છે. ઘટનાના પગલે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતા નારોલ પોલીસ પણ શાળાએ પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે સમગ્ર ઘટનાની વિગતો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના બાદ માતા-પિતા અને સ્થાનિકોમાં શાળાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા છે.
શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. અને ખૂબ જ ભયાવહ ઘટનાક્રમ નારોલ-વટવા રોડ પર આવેલ ઈસનપુર પબ્લિક સ્કૂલમાંથી સામે આવી છે. નારોલમાં રહેતો અને ધો-8માં અભ્યાસ કરતો એક 14 વર્ષનો સગીર અન્ય વિદ્યાર્થીઓના ઝઘડાનો “ભોગ” બની ગયો. સોમવારે પરીક્ષા પત્યા બાદ બે વિદ્યાર્થી વચ્ચે મારામારી થઈ હતી. જેમાં પોતાના મિત્રને બચાવવા પડેલા વિદ્યાર્થીની આંખમાં પરિકર વાગી જતા ગંભીર ઈજા થઈ છે.
અગાઉ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં પર આવી હિંસક ઘટના સામે આવી હતી. જેમાં એક વિદ્યાર્થીએ અદાવાત રાખી બીજા વિદ્યાર્થીના પેટના ભાગે ચપ્પાના ઘા જીકતા વિદ્યાર્થીનું મૃત્યું થયુ હતુ.
Published On - 10:34 am, Tue, 21 April 26