હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ વાદળોના ગડગડાટ પણ સાંભળવા મળ્યા હતા. અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યાના અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.
તો બીજી તરફ મહેસાણામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી ઝાપટા સાથે ભારે પવન ફૂંકાયો હતો અને ભારે પવન ફૂંકાવાને કારણે નગર પાલિકા હસ્તકના નાઇટ મેચ માટે ઉભા કરવામાં આવેલા લાઇટ પોલને નુકસાન થયું હતું. તેમજ મંડપ સહિત અનેક ચીજ વસ્તુઓ વેર વિખેર થઈ ગઈ હતી.
તો કચ્છ જિલ્લાના ,ચાંદ્રોડા વિસ્તારમાં ઝરમર વરસાદ થયો હતો તેમજ ભુજ તાલુકાના સુમરાસર,ઢોરી સહિતના ગામમા પણ કમોસમી વરસાદ થયો છે.
ફરી એકવાર હવામાન વિભાગે ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ રાજ્યવાસીઓને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. આવતીકાલથી રાજ્યમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો થશે. હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના વિસ્તારમાં ભારે પવન ફુંકાશે. જેને કારણે રાજ્યમાં ગરમીથી લોકોને આંશિક રાહત મળશે.
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી ખેડૂતોના માથે માવઠાનું સંકટ ઘેરાયું છે. આજથી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ સહિતના શહેરોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો શુક્રવારે ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાના સંકેત છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં 26, 27 અને 28 એપ્રિલ ત્રણ દિવસ કમોસમી વરસાદ પડી શકે છે.
આજે દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, કચ્છ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. તો કાલે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ સહિતના શહેરોમાં સામાન્ય વરસાદ રહેશે.
જ્યારે 28 એપ્રિલે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોડાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે. જેથી આગામી બે દિવસ રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જવાની શક્યતા નહીંવત છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:05 pm, Wed, 26 April 23