હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગરમી વધવાની આગાહી અંગેના અહેવાલ વહેતા થયા હતા. જોકે હાલ તો ગુજરાતમાં વરસાદની વકી છે જોકે હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હાલમાં તો હીટ વેવ અને યલો એલર્ટ અંગેની કોઈ આગાહી નથી. જોકે વરસાદના કારણે વાતાવરણમાં ફેરફાર નોંધાઈ શકે છે.
સામાન્ય રીતે અમદાવાદમાં માર્ચ મહિનાથી તાપમાન ઉચું જવા લાગતું હોય છે પરંતુ આ વર્ષે વારંવાર ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠા થવાને કારણે એપ્રિલ માસમાં તાપમાનનો પારો ઉંચો જવાની શરૂઆત થઈ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાઈકલોનીક સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં વરસાદ આવશે. ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ બે દિવસ બાદ ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલ રહેશે. 12, 13 અને 14 એપ્રિલે અમરેલી ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડમાં વરસાદ થવાની આગાહી છે. આગાહી અનુસાર નવસારીમાં પણ વરસાદ રહેશે.
મહત્વનું છે કે બે દિવસ પહેલા કચ્છના માંડવીના ગઢશીશા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. નાની મઉ વાડી વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. માંડવીના ભૈરયા, દુજાપર સહિતના ગામોમાં માવઠું પડ્યુ હતુ.
આ પહેલા પણ ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી ચુક્યો છે. સમગ્ર માર્ચ મહિના દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોએ મહામહેનતથી પકવેલા પાકમાં નુકસાન થયુ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘઉં, લસણ અને ડુંગળી સહિતના પાકને નુકસાન થયુ છે. ખેડૂતોને થયેલા નુકસાન સામે ગુજરાત સરકારે સહાયની પણ જાહેરાત કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 5:39 pm, Mon, 10 April 23