
અમદાવાદ જિલ્લાના મોરૈયા ગામ નજીક આવેલી રંગ બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદ-બાવળા હાઇવે પર આવેલી ESDEE PAINT કંપનીમાં લાગેલી આગને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા જ ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગ વધુ ફેલાય નહીં તે માટે આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ, ફેક્ટરીમાં પેઇન્ટ અને કેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Published On - 2:41 pm, Tue, 19 May 26