જુનાગઢમાં ગરવા ગીરનારની ગોદમાં પ્રકૃતિના ખોળે યોજાતી ગીરનારની લીલી પરિક્રમા આ વર્ષે યોજાશે નહીં. ખરાબ રસ્તાને કારણે લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ સમગ્ર ગુજરાતમાં માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે અને માવઠાએ સમગ્ર ગુજરાતમાં વિનાશ વેર્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માવઠાને કારણે મોટાપાયે નુકસાન જોવા મળી રહ્યુ છે ત્યારે પરિક્રમાં રૂટ પર પણ માવઠાને કારણે મોટાપાયે ધોવાણ થયુ છે. જેના કારણે તંત્ર દ્વારા આ વર્ષે પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જો કે પરંપરા જાળવી રાખવા માટે 1 નવેમ્બરે પ્રતીકાત્મક રીતે 100 લોકો માટે પરિક્રમાં યોજાશે. જેમા ભવનાથના સાધુ સંતો દ્વારા તા 1 નવેમ્બરના રાત્રિના પૂજન અર્ચન કરવામાં આવશે અને 2 જી નવેમ્બરે સવારે પ્રતિકાત્મક પરિક3માં શરૂ કરવામાં આવશે. પ્રતિકાત્મક પરિક્રમા દરમિયાન વનવિભાગ, પોલીસ, આરોગ્ય વિભાગ, ડોલીવાળા સાથે રહેશે.
પરિક્રમાં યોજવા માટે પણ અનેક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, તંત્રના તમામ અધિકારીઓ, કલેક્ટર, એસપી, ડીસીએફ, સાધુ-સંતો, સાંસદ, ધારાસભ્યો સહિિતનાએ પરિક્રમાં રૂટનું ચેકિંગ કર્યુ હતુ અને આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. માવઠાને કારણે મોટાપાયે રસ્તાનું ધોવાણ થયુ છે. રસ્તાઓ તદ્દન બિસમાર બન્યા છે. જેના કારણે ભાવિકોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી શકે છે. રૂટ નિરીક્ષણ દરમિયાન તમામે પરિક્રમા રદ કરવા માટેનો સામૂહિક નિર્ણય લીધો હતો.
જંગલ વિસ્તારમાં ભારે કમોસમી વરસાદને કારણે મોટા પાયે માટીનું ધોવાણ થયુ છે. જેના કારણે અન્નક્ષેત્રો માટે સામાન પણ પહોંચાડી શકાય તેવી સ્થિતિ નથી. ભાવિકોને ભારે હેરાનગતિ ન થાય તેને ધ્યાને રાખી તંત્રએ આ નિર્ણય લીધો છે. તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને આ વર્ષે પરિક્રમાં માટે જુનાગઢ ન આવવા માટે અપીલ કરવામાં આવી છે. ગીરનારની લીલી પરિક્રમાના ઈતિહાસમાં કોરોના બાદ બીજીવાર એવુ બન્યુ છે કે બંધ સ્થગિત કરવી પડી છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
Published On - 1:29 pm, Fri, 31 October 25