Salangpur Temple Controversy : સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો મામલે સાધુ સંતો અને સ્વામિનારાયણ સંતો સાથે બંધ બારણે બેઠક થઈ હતી. આ બેઠકમાં ભીંતચિત્રોને લઈને ઉભા થયેલા વિવાદનો સુખદ અંત લાવવા ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સાળંગપુરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવવા આશ્વાસન આપ્યું છે.
વિવાદના પગલે સંતોનું પ્રતિનિધિ મંડળ સાળંગપુર ખાતે ચર્ચા કરવા પહોંચ્યુ હતું. પ્રતિનિધિ મંડળની રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ફરી આવું નહીં થાય તેવી કોઠારી સ્વામીએ બાંહેધરી આપી હતી. તો ટૂંક સમયમાં નિરાકરણ લાવવાનું આશ્વાસન અપાયું છે. આ બેઠકમાં કોઠારી સ્વામી સહિતના સંતો સાથે થયેલી ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માટે કોઠારી સ્વામીએ 2 દિવસનો સમય માંગ્યો છે.
સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈ વિવાદ વકરી રહ્યો હતો. ત્યારે સાધુ સંતો અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મળેલી બેઠકમાં સુખદ સમાધાન માટે નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં બેફામ નિવેદનો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે કોઠારી સ્વામીએ તમામ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા ખાતરી આપતા આખરે આ વિવાદનો અંત આવશે.
આ પહેલા અમદાવાદમાં સાધુ સંતોની મળેલી બેઠકમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ સનાતન ધર્મના સંતોએ ભગવાન રામના શપથ લીધા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સામુહિક બહિષ્કારનો નિર્ણય લીધો હતો. જેમાં સનાતન ધર્મના સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને મંચ પર નહીં બેસવા દે તેમજ સનાતન ધર્મના કોઈપણ કાર્યક્રમમાં નહીં જવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:14 pm, Sun, 3 September 23