Bhavnagar: કોરોનાની સ્થિતિ સુધરી, કોરોનાના કેસમાં થયો ઘટાડો અને ડિસ્ચાર્જમાં વધારો

|

May 27, 2021 | 11:26 AM

ભાવનગરમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. હોસ્પિટલોમાં સારવાર માટે જગ્યા નહોતી, પરંતુ 20 દિવસના સમયગાળામાં રિકવરી રેટ વધીને 90.92 ટકા થઈ ગયો છે.

ભાવનગરમાં કોરોનાની (Corona) સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. મંગળવારે એક જ દિવસમાં 106 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેની સામે 717 દર્દીઓને રજા આપવામાં આવતા રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. ગત 4મેએ રિકવરી રેટ ઘટીને 69.73 ટકા થઈ ગયો હતો. હોસ્પિટલોમાં સારવાર માટે જગ્યા નહોતી, પરંતુ 20 દિવસના સમયગાળામાં રિકવરી રેટ વધીને 90.92 ટકા થઈ ગયો છે. જેના કારણે હોસ્પિટલોમાં 50 ટકા બેડ ખાલી થઈ ગયા છે.

હાલની સ્થિતિએ ભાવનગરમાં કુલ સંક્રમિતોની સંખ્યા 20 હજાર 768 થઈ છે. જેમાંથી 18 હજાર 882 દર્દીઓ સાજા થઈ ગયા છે. ભાવનગરમાં દર કલાકે 30 લોકો સાજા થઈ રહ્યા છે. આથી આરોગ્ય તંત્ર પર આવેલો અસહ્ય બોજો પણ મહદઅંશે હળવો થઈ ગયો છે.

રાજ્યમાં નવ દિવસ બાદ ફરી કોરોના સામે જંગ જીતનાર દર્દીઓનો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે, જ્યારે બે મહિના બાદ દૈનિક મૃત્યુઆંક 36 થયો છે. આ સ્થિતિ છે રાજ્યમાં કોરોનાની. રાજ્યના સ્થાપના દિવસથી કોરોનામાં શરૂ થયેલી રાહત યથાવત છે અને રાજ્યમાં 3 હજાર 85 નવા કેસ નોંધાયા છે. જ્યારે કે બે મહિના બાદ દૈનિક મૃત્યુઆંક 36 થયો છે.

કોરોનાકાળમાં સૌથી મોટી રાહતની વાત એ છે કે રિક્વરી રેટ વધીને 91.82 ટકા થયો છે અને રાજ્યમાં હવે 55 હજાર 548 એક્ટિવ કેસ તથા 594 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 9,701ને પાર પહોંચ્યો છે. રાજ્યના મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદમાં 378 નવા કેસ સાથે 6 દર્દીઓના મૃત્યુ થયા.

સુરતમાં નવા 399 કેસ સાથે 7 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા. વડોદરામાં 526 નવા કેસ સાથે 5 દર્દીઓના મૃત્યુ થયા. આ તરફ રાજકોટમાં 183 નવા કેસ નોંધાયા છે, જ્યારે એકપણ દર્દીના મોતના સમાચાર નથી. તો જામનગરમાં 91 કેસ સાથે 2 દર્દીના મૃત્યુ થયા, તો મહેસાણા, ભાવનગર અને દાહોદમાં 2-2 દર્દીઓ કોરોના સામે હાર્યા.

Next Video