સિંહોને ફરી પસંદ આવી રહ્યુ છે ભાવનગર. છેલ્લા કેટલાક સમયથી ભાવનગર જિલ્લાના અનેક ગામોમાં સિંહોની વસ્તી વધી રહી છે. સિંહ પરિવાર આંટા મારતો જોવા મળી રહ્યો છે. ભાવનગરના સિંહોરથી લઈને જેસર સુધીના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સિંહો હોવાની જાણકારી સામે આવી છે. ગીરના જંગલ બાદ હવે ભાવનગરને આ વનરાજો તેમના રહેઠાણ તરીકે પસંદ કરી રહ્યા છે. વન વિભાગના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં ફરી એકવાર સિંહોની વસ્તી ધીમે ધીમે વધી રહી છે.
ભાવનગરના 25 હજાર હેક્ટરમાં ફેલાયેલો જિલ્લાનો હરિયાળો વિસ્તાર સિંહોએ તેમના વસવાટ માટે પસંદ કર્યો છે. અહીં જ સિંહ પરિવારો વિસ્તરી રહ્યા છે. એટલુ જ નહી આ વિસ્તારમાં ચિંકારા અને નીલગાયની મોટી વસ્તી હોવાથી સિંહોને શિકાર પણ સુલભતાથી મળી રહે છે. ભૌગૌલિક દૃષ્ટિએ તેમજ વાતાવરણની દૃષ્ટિએ ભાવનગર જિલ્લામાં સિંહોની વસ્તી વધી રહી છે.
ગીરની જેમ ભાવનગર જિલ્લામાં પણ સિંહોની સંખ્યા વધે તે માટે વન વિભાગ ખૂબ જ પ્રયત્નશીલ છે. અલબત્ સિંહોના લીધે સ્થાનિકોમાં જરૂર ભયની લહેરખી ફરી વળી છે. હાલ સિહોરના જંગલમાં 8 સિંહોનો વસવાટ છે અને પાલીતાણાના જંગલમાં 11 સિંહનો વસવાટ છે. ઘણીવાર આ સિંહો સહપરિવાર જ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી જાય છે.
આ પણ વાંચો: સંસદની સદસ્યતા જવા પર મહુઆ મોઈત્રાનું પ્રથમ રિએક્શન આવ્યુ સામે કહ્યુ, ‘કોઈ પુરાવા વિના મળી સજા’
હાલમાં જ ભાવનગરમાં આંબાલાથી અનિડા જવાના રોડ પર સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. ભાવનગરના આંબલા, અનિડા, સણોસરા, રામધરી અને ચોરવડલા સહિતના ગામના ખેતરોમાં અવાર-નવાર સિંહ જોવા મળી રહ્યા છે. જેને લીધે લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. પરંતુ, વન વિભાગ દ્વારા સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે કે સિંહોને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે. બસ, લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:37 pm, Fri, 8 December 23