Bhavnagar : પર્યાવરણને બચાવવા અનોખો પ્રયાસ, લાખોની સંખ્યામાં બનાવ્યા Seed Balls

|

Jun 16, 2021 | 10:12 PM

પ્રકૃતિના અને પર્યાવરણ પ્રેમીઓએ આ પ્રયોગ કરવો જોઈએ. આ સિડ બોલમાંથી 50 થી 70 ટકા બોલમાંથી વનસ્પતિ-છોડનો વિકાસ થાય છે.

Bhavnagar : સમગ્ર ગુજરાત સહિત દેશમાં કોરોના જેવી મહામારી બાદ લોકોને સમજાઇ ગયું છે કે માનવ જીવનમાં સ્વસ્થ રહેવા માટે પર્યાવરણનું કેટલું મોટું મહત્વ છે. ત્યારે વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લામાં તાઉ તે વાવાઝોડાને લઈને હજારોની સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા હતા, અને પ્રકૃતિનું જાણે નિકંદન નિકળી ગયું હતું.

પશુઓનો ચારો અને પક્ષીઓને ફૂલ, ફળ અને વૃક્ષો પરથી મળતો ખોરાક પણ જાણે બંધ થયો હોય તેવી સ્થિતિ સર્જાણી છે. ત્યારે ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને પર્યાવરણ પ્રેમી કિશોરભાઈ ભટ્ટ દ્વારા સીડ બોલ (Seed Ball) નો એક નવતર પ્રયોગ પર્યાવરણના વિકાસ માટે કરવામાં આવ્યો છે. આ પ્રયોગ અનેક જગ્યાઓ પર સફળ પણ થયેલો છે.

ભાવનગર જિલ્લામાં તાઉ તે વાવાઝોડાને લઈને પર્યાવરણને ભારે નુકશાન થવા પામેલ છે. ત્યારે નવા વૃક્ષો વાવવા અને તેની જાળવણી કરવી ઘણી મહેનત માંગી લેતી હોય છે. જોકે ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક સંસ્થાઓ ભાવનગરને હરિયાળું બનાવવા અથાક પ્રયત્નો કરી રહ્યા છે.

હવે જ્યારે ચોમાસુ માથે આવ્યું છે ત્યારે ખાલી જમીનમાં અનેક એવા બિયારણો હોય છે. જે ચોમાસા દરમિયાન નાખવામાં આવે તો તેમાંથી ઔષધિઓ, ફૂલોના છોડ, વૃક્ષો અને પશુપક્ષીઓનો ખોરાક બની શકે છે.

જેમાં ભાવનગરના પર્યાવરણ પ્રેમી કિશોરભાઈ ભટ્ટ અને ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 1 લાખ 11 હજાર સીડ બોલ ભાવનગર શહેરની ખુલ્લી જગ્યામાં ચોમાસા દરમિયાન નાખીને જુદાજુદા જાતિના વૃક્ષો, છોડ ઉછેરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એક મશીન દ્વારા અને શિક્ષકો અને સ્કાઉટના વિદ્યાર્થીઓની મદદ થી 50 હજાર સીડ બોલ બનાવવામાં આવ્યા છે.

જ્યારે લક્ષ્યાંક 1 લાખ 11 હજાર સિડ બોલ બનાવવાનું છે. હાલ નગર પ્રાથમિક સમિતિની શાળામાં આ સિડ બોલ આ તમામ લોકોની સેવા અને મદદથી બનાવાઈ રહ્યા છે. જોકે કિશોરભાઈનો અન્ય જગ્યાઓ માટે પણ 20 લાખ સીડ બોલ બનાવવાનો ટાર્ગેટ છે.

હાલ આ સીડ બોલમાં અશ્વગંધા, ગરમાળો, કુવાડીયો, બિલ્લી, ગુલમહોર, સતાવરી, ચિમેડ, રામ તુલસી, શ્યામ તુલસી, કોપળવેલ, ગળો, મરવો જેવી વનસ્પતિના બીજ નાખીને સીડ બોલ બનાવવામાં આવ્યા છે. અને વરસાદ થતાં આ બોલ જુદી જુદી જગ્યાઓ પર ભીની માટીમાં ફેકતા તેમાંથી વરસાદ દરમિયાન જુદી જુદી વનસ્પતિનો વિકાસ થાય છે.

અને પર્યાવરણમાં હરિયાળી ઉભી થાય છે. પ્રકૃતિના અને પર્યાવરણ પ્રેમીઓએ આ પ્રયોગ કરવો જોઈએ આ સિડ બોલમાંથી 50 થી 70 ટકા બોલમાંથી વનસ્પતિ, છોડનો વિકાસ થાય છે.

 

Published On - 10:11 pm, Wed, 16 June 21

Next Video