Bharuch Hospital Fire: વડાપ્રધાને દુર્ઘટના બાબતે વ્યક્ત કર્યું દુઃખ, મુખ્યમંત્રીએ સાંત્વના પાઠવી

|

May 01, 2021 | 1:25 PM

Bharuch Hospital Fire: ભરૂચના વેલ્ફેર હોસ્પિટલ સ્થિત કોવિડ સેન્ટરના ICU માં રાતે પોણા એક વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.

Bharuch Hospital Fire: ભરૂચના વેલ્ફેર હોસ્પિટલ સ્થિત કોવિડ સેન્ટરના ICU માં રાતે પોણા એક વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં 18 લોકો ગંભીર રીતે દાઝી જવાથી મોતને ભેટયા છે. ભરૂચ જંબુસર બાયપાસ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચની કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

મુખ્યમંત્રીએ આ આગ દુઘર્ટનામાં જેમના દુઃખદ મૃત્યુ થયા છે તે પ્રત્યેક મૃતકોના વારસને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની પણ જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર આઇએએસ અધિકારીઓ શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડમીનિસ્ત્રેશન રાજકુમાર બેનીવાલને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવાના આદેશ કર્યા છે.

હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે, હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 4 થી 5 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે આજીજી કરી રહ્યાં હતા. અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે 25 થી વધુ એમ્બ્યૂલન્સો બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રીગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગ્યા હતા.

Published On - 1:23 pm, Sat, 1 May 21

Next Video