
જો તમે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં બેંકિંગ સંબંધિત કોઈપણ કામ પૂર્ણ કરવાનું વિચારી રહ્યા છો, તો તે કામ પહેલા પતાવી દેજો. નહિંતર, તમારે આવતા મહિના સુધી રાહ જોવી પડી શકે છે. કારણ કે, બેંકોએ હડતાળની જાહેરાત કરી છે. આમ, તો હડતાળ એક દિવસની રહેશે, પણ કામ ત્રણ દિવસ માટે બંધ રહેશે. આનું કારણ એ છે કે હડતાળ પહેલા સતત ત્રણ બેંક રજાઓ છે. પરિણામે, સતત ચાર દિવસ સુધી કામ ખોરવાઈ શકે છે, જેના કારણે સામાન્ય લોકોને તેમના બેંકિંગ કાર્ય પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી શકે છે. ચાલો જાણીએ કે બેંકોએ કઈ તારીખે હડતાળની જાહેરાત કરી છે અને તેમની માંગણીઓ શું છે?
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) ના નેજા હેઠળ બેંક કર્મચારી યુનિયનોએ 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની ધમકી આપી છે, જેમાં 5 Day વર્કિંગના અમલીકરણની માંગણી કરવામાં આવી છે. જો હડતાળ થાય છે, તો તે સતત ચાર દિવસ માટે જાહેર ક્ષેત્રની બેંકોના સંચાલન પર નોંધપાત્ર અસર કરશે. મહિનાના ચોથા શનિવાર 24મી તારીખે રજા છે, ત્યારબાદ 25મી તારીખે રવિવાર છે અને 26મી જાન્યુઆરી, સોમવારના રોજ પ્રજાસત્તાક દિવસ છે. તેથી, હડતાળ પહેલા બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે. જો 27મી તારીખે હડતાળ થાય છે, તો સતત ચોથા દિવસે બેંકિંગ કામગીરી ખોરવાઈ જશે.
હાલમાં, બેંક કર્મચારીઓને રવિવાર ઉપરાંત દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા મળે છે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને UFBU માર્ચ 2024 માં વેતન સુધારણા કરાર દરમિયાન બાકીના બે શનિવારને રજા તરીકે જાહેર કરવા સંમત થયા હતા. UFBU એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર તેમની વાસ્તવિક માંગને અવગણી રહી છે. સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 40 મિનિટ વધારાનું કામ કરવા માટે સંમત થવાથી કામકાજના કલાકોમાં કોઈ ઘટાડો થશે નહીં.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે RBI, LIC, GIC, વગેરે પહેલાથી જ અઠવાડિયામાં પાંચ દિવસ કાર્યરત છે, અને વિદેશી વિનિમય બજાર, ચલણ બજારો અને સ્ટોક એક્સચેન્જ શનિવારે બંધ રહે છે. વધુમાં, કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ પણ શનિવારે બંધ રહે છે. તેથી, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બેંકો દ્વારા પાંચ દિવસના કાર્ય સપ્તાહનો અમલ ન કરવાનું કોઈ કારણ નથી.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે 27 જાન્યુઆરી, 2026 ના રોજ તમામ બેંકોમાં અખિલ ભારતીય હડતાળ બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. UFBU એ ભારતના નવ મુખ્ય બેંક યુનિયનોનું એક છત્ર સંગઠન છે, જે જાહેર ક્ષેત્રની બેંકો અને કેટલીક જૂની ખાનગી બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે યુનિયનના સોશિયલ મીડિયા અભિયાન #5DayBankingNow ને X પર 18,80,027 ટ્વિટ અને આશરે 2,85,200 પોસ્ટ મળી છે.