GUJARAT : ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા વિકટ સ્થિતિ, અત્યાર સુધીમાં માત્ર 32.15 ટકા વરસાદ પડ્યો

|

Aug 25, 2021 | 6:59 PM

Rain Shortage in North Gujarat : ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 32.15 ટકા વરસાદ જ નોંધાયો છે.ચોમાસાના 84 દિવસમાં સરેરાશ 9.50 ઈંચ વરસાદ પડ્યો છે.

GUJARAT : ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાઈ જતા સૌથી કફોડી સ્થિતિ સર્જાઈ છે..બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લાના જળાશયો તળિયાઝાટક સ્થિતિમાં છે.ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 32.15 ટકા વરસાદ જ નોંધાયો છે.ચોમાસાના 84 દિવસમાં સરેરાશ 9.50 ઈંચ વરસાદ પડ્યો છે.જો જિલ્લાદીઠ વાત કરીએ તો પાટણ જિલ્લામાં 36.57 ટકા અને બનાસકાંઠા જિલ્લામાં 58.50 ટકા વરસાદની ઘટ છે. તો સાબરકાંઠામાં પણ 54.15 ટકા વરસાદ ઓછો પડ્યો છે.અરવલ્લી જિલ્લામાં સર્વાધિક 65.23 ટકા વરસાદની ઘટ છે. ચોમાસા દરમિયાન સિઝનનો 100 ટકા વરસાદ પૂર્ણ કરવા બાકીના 38 દિવસમાં સરેરાશ 20 ઈંચ વરસાદની જરૂર છે. ઉત્તર ગુજરાતના લોકો અને ખાસ કરીને ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. મેઘરાજાને મનાવવા ખાસ પૂજા, પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી છે.

ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો પાણીની સમસ્યા આ વિસ્તારમાં સૌથી મોટી હોય છે. બનાસકાંઠા અને પાટણ રણવિસ્તારના જિલ્લાઓ છે. જ્યારે સાબરકાંઠા અને મહેસાણા પર્વતીય તેમજ મેદાની પ્રદેશો ધરાવે છે. પરંતુ આટલા મોટા વિસ્તારમાં માત્ર સાબરમતી નદી સિવાય તમામ નદીઓ કુંવારિકા છે. જેના કારણે વરસાદ સિવાય મોટાભાગની નદીઓ કોરીધાકોર હોય છે.

આ વિસ્તારમાં સિંચાઈ ડેમ તેમજ ભૂગર્ભ જળના આધારે થાય છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ઓછો વરસાદ અને ઉંડા જતા ભૂગર્ભજળ આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા છે. આ વર્ષે પણ ઓછા વરસાદના કારણે મોટાભાગનાં જળાશયો ખાલીખમ છે. સિંચાઇ માટે પાણી નથી જ પરંતુ આગામી સમયમાં જો વરસાદ નહીં આવે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પીવાના પાણીની પણ મહામારી સર્જાશે. જેને લઈ ખેડૂતોને સ્થાનિક લોકો ચિંતાતુર છે.

આ પણ વાંચો : JUNAGADH : વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં 19 વર્ષથી કામ કરતા કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યાં

Published On - 6:57 pm, Wed, 25 August 21

Next Video