બનાસકાંઠાના ભાભરના લુણસેલા ખાતે ઠાકોર સમાજના સંત શ્રી સદારામ બાપુના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં ઠાકોર સમાજના સુધારણા માટે કેટલીક બાબતો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. જેમાં લગ્ન અને ધાર્મિક પ્રસંગોમા DJ પર પ્રતિબંધ સહિત કુંવારી દિકરીઓને મોબાઈલ ફોન વાપરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જાહેર મંચ પરથી વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું હતુ કે ઠાકોર સમાજ સુધારણા માર્ગે આગળ વધવા કુંવારી દિકરીઓને મોબાઈલ ન આપે. મોબાઈલ વપરાશના કારણે સમાજની બદનામી થાય છે.તો વધુમાં કહ્યુ હતુ કે, દરેક મા-બાપ જ્યાં સુધી દિકરી કુંવારી હોય ત્યા સુધી દિકરી પર કંટ્રોલ રાખે એવી સૌ વડીલોને મારી વિનંતી છે.
આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા યોજાયેલા સંત શ્રી સદારામ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આ તાલિબાની નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે હાલ આધુનિક સમયમાં ધારાસભ્યની આ વિચારસરણી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
Published On - 8:03 am, Mon, 20 February 23