તસ્કરો આમ તો ઘર અને દુકાન તેમજ અન્ય સ્થળોએ ચોરી મચાવીને શિયાળામાં ત્રાસ વર્તાવી રહ્યા છે. આ દરમિયાન ડીસા નગર પાલિકાએ ઉછેર કરેલા વૃક્ષો પણ કોઈ તસ્કર ચોરી કરી લઈ જવાની ઘટના સામે આવી છે. ડીસા નગર પાલિકાના ચિફ ઓફિસરે આ મામલે હવે પોલીસ કાર્યવાહી માટેની પ્રક્રિયા શરુ કરી છે.
એક તરફ હાલમાં પાલિકાઓ અને ગ્રામ પંચાયતો તથા મહાનગર પાલિકાઓ ગ્રીન સિટી અને વિલેજ માટેનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે અનેક પ્રયાસો કરીને હરીયાળી વધારવા માટે પ્રયાસ કરતા હોય છે. આ દરમિયાન ડીસા પાલિકાની સાઈટમાંથી તસ્કરો વૃક્ષો કાપી જવાને લઈ કાર્યવાહી કરવામાં આવી છે.
આ દરમિયાન ડીસા નગર પાલિકાના મુખ્ય અધિકારીએ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટરને વૃક્ષ ચોરીની ફરિયાદ નોંધવા માટે લેખિત રજૂઆત કરતા મામલો સામે આવ્યો છે. જે મુજબ ડીસા નગર પાલિકાની ઘન કચરા નિકાલ સાઈટની આસપાસ અને અંદરની બાજુએ વૃક્ષો ઉછેર કરવામાં આવ્યા છે. આ વૃક્ષો થકી પર્યાવરણમાં હરીયાળો માહોલ સ્થપાય એવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્શોએ અહીં ઉછેર કરવામાં આવેલ આસોપાલવના 9 જેટલા ઝાડને કાપીને લઈ જઈ જવામાં આવેલ છે. આમ ઝાડ કાપીને વૃક્ષોને નુક્સાન પહોંચાડ્યુ છે. આવી સ્થિતિને લઈ નગરપાલિકાએ વૃક્ષો અને પર્યાવરણને નુક્સાન પહોંચાડવાને લઈ ચિફ ઓફિસરે પોલીસ કાર્યવાહી હાથ ધરવા માટે જાણ કરી છે.
એક રીતે તો આસોપાલવના વૃક્ષો થકી ના ફળ કે ના લાકડાની આવક પાલિકા ભવિષ્ય કે વર્તમાનમાં થનારી છે. પરંતુ જે રીતે પર્યાવરણની રીતે અજાણ્યા શખ્શોએ નુક્સાન પહોંચાડ્યુ છે અને વૃક્ષ કાપી નાંખ્યા છે, તેને લઈ કાર્યવાહી કરવાની સરાહના થઈ રહી છે. પાલિકાએ આ દીશામાં સેનેટરી ઈન્સ્પેકટર મારફતે રિપોર્ટ પણ તૈયાર કર્યો છે અને તેને આધારે ફોજદારી ગુનો નોંધવા માટે કાર્યવાહી કરી છે. આમ હવે આરોપીઓ સુધી પહોંચવામાં આવે અને પર્યાવરણના દુશ્મનો સામે યોગ્ય કાર્યવાહી થાય એ જરુરી છે.
Published On - 4:27 pm, Fri, 12 January 24