ઉનાળો ( Summer 2022) શરુ થતા જ ગુજરાત (Gujarat) ના કેટલાક જિલ્લાઓમાં જાણે પાણી માટે જંગ ખેલાવાનો શરુ થઇ જાય છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં પણ હવે કઇક આવી જ સ્થિતિ શરુ થઇ ગઇ છે. ફરી એકવાર પાણી માટે આંદોલન શરુ થયું છે. પાલનપુર તાલુકામાં પાણીનો પ્રશ્ન સર્જાયો છે. ત્યારે પાલનપુર તાલુકાના તળાવો ભરવાની માગ સાથે આજે ખેડૂતોએ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરીને વિરોધ દર્શાવ્યો. તેમની સાથે વિરોધમાં મહિલાઓ પણ જોડાઇ હતી. પાલનપુર શહેરમાં ‘જય જવાન જય કિસાન’ના નારા સાથે આ તમામ કલેકટર ઓફિસ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે તળાવ ભરવાની માગ કરી.
ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આજે પાલનપુર તાલુકામાં ખેડૂતોની પાણીની સમસ્યા મામલે બેઠક યોજાઇ. પાલનપુરથી ત્રણ કિલોમીટર દૂર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. ત્યાંથી ખેડૂતોએ પદયાત્રા કરી પાણીની માગ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોની માગ છે કે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો સરકાર પાસે પાણીની માગ કરી રહ્યા છે. પરંતુ તે માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. અગાઉ ખેડૂતોએ પદયાત્રા કરી ટ્રેક્ટર રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ તે બાદ જે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તે થઈ નથી. જેથી આજે ખેડૂતો પાણીની માગ સાથે રસ્તા પર ઉતર્યા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે પીવાના પાણી નહીં પરંતુ પશુપાલન કરવા માટે પણ હવે પાણી નથી. ત્યારે સરકાર ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરે. જો સરકાર આ માગ પુરી નહીં કરે તો આગામી સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરશે.
ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આજે ખેડૂતોએ રેલી યોજી. અગાઉ પણ પાલનપુર તાલુકાના ખેડૂતો તળાવ ભરવાની માગ સાથે આંદોલન કરી ચૂક્યા છે. આજે ફરી એકવાર ખેડૂતો શાંતિપૂર્વક રસ્તા પર ઉતર્યા છે. ત્યારે જો હજુ પણ અમારી માગ નહીં સ્વીકારાય તો વધુ ઉગ્ર આંદોલન થશે તે નક્કી છે. જો માગ નહીં સ્વીકારાય તો ખેડૂતોએ આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી છે.
આ સમગ્ર મામલે જિલ્લા કલેકટરે ખેડૂતો સાથે વાતચીત પણ કરી હતી. જે બાદ જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા ખેડૂતોની માગણી મામલે કાર્યવાહી કરવામાં આવી છે. આગામી સમયમાં આગેવાનો સાથે ચર્ચા કરી તળાવો ભરવાના આયોજન મામલે સત્વરે નિરાકરણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સુરતમાં ચાર વર્ષની માસૂમ બાળાને બિસ્કીટની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ગુનામાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા
આ પણ વાંચોઃ સુરતના તમામ ઝોનમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાશે, અઠવા વિસ્તારની એક શાળા હર્ષ સંઘવીને દત્તક અપાઈ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો