Banaskantha Vaccine: શિક્ષણ અને આર્થિક રીતે પછાત ગણાતો બનાસકાંઠા જીલ્લો કોરોના રસીકરણ મામલે દેશમાં અગ્રેસર

|

May 11, 2021 | 4:02 PM

Banaskantha Vaccine: બનાસકાંઠાના આરોગ્ય વિભાગે કોરોના મહામારી વચ્ચે પણ જિલ્લામાં ૬ લાખથી વધુ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી રાજ્ય જ નહીં પરંતુ દેશમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

Banaskantha Vaccine: કોરોના મહામારીથી રક્ષણ મેળવવા માટે કોરોના રસી રક્ષા કવચ છે. તેના માટે સરકાર પણ લોકોને કોરોના રસી સત્વરે મુકવા માટે અપીલ કરી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ગામડામાં વસે છે. મોટી ગ્રામીણ વસ્તી હોવાથી રસીકરણ કરવુ સૌથી અઘરૂં છે. તે વચ્ચે બનાસકાંઠાના આરોગ્ય વિભાગે કોરોના મહામારી વચ્ચે પણ જિલ્લામાં ૬ લાખથી વધુ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી રાજ્ય જ નહીં પરંતુ દેશમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા આવેલા છે. જે 14 તાલુકોમાં મોટાભાગના લોકો ગામડામાં વસે છે. રાજ્યમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી પણ બનાસકાંઠા જિલ્લામાં છે. જે વચ્ચે અત્યાર સુધી જિલ્લામાં 607124 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

જેમાં દાંતીવાડા, લાખણી, સુઈગામ, ભાભર અને દિયોદર વિસ્તારમાં 100 % થી વધુ રસીકરણ થયું છે. સૌથી અગત્યની બાબત એ છે કે છ લાખ થી વધુ લોકોનું રસીકરણ થયું હોવા છતાં જીલ્લા માં માત્ર 542 લોકોએ ખાનગી હોસ્પિટલમાં રસી મુકાવી છે. જ્યારે જીલ્લાના તમામ લોકોએ સરકારી હોસ્પિટલમાં સેવા લઈ કોરોનાનું રક્ષાકવચ મેળવ્યું છે.

આ અંગે બનાસકાંઠા જીલ્લા કલેકટર આનંદ પટેલ નું કહેવું છે કે જ્યારે સરકારી રસીકરણ અભિયાન શરૂ કર્યું ત્યારે અમે રસીકરણ પર સૌથી વધુ ભાર મુક્યો. કોરોના મહામારી સમયે અમે સમગ્ર વિશ્વ પર કોરોના સામે રક્ષણ મેળવવા શું પગલાં ભરાઈ રહ્યા છે તેના પર નજર રાખતા હતા.

ઇઝરાયેલ રસીકરણ દ્વારા જ કોરોના પર કાબૂ મેળવ્યો છે. જેથી અમે પણ રસીકરણ પર ભાર મુક્યો. ગ્રામીણ વિસ્તારમાં લોકોએ અમારી પહેલ સ્વીકારી અને તેના પરિણામે આજે 45 વર્ષ થી ઉપરના 98.33 ટકા નાગરિકોને રસી કવચ આપી શક્યા.

કોરોના રસીકરણ ને સફળ બનાવવા જીલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગનો સિંહફાળો છે. આ અંગે જીલ્લા વિકાસ અધિકારી અજય દહીયાનું કહેવું છે કે 900 વેકસીનેટર ની ટીમ રસીકરણ માટે બનાવવામાં આવી હતી. જે ટીમો ન માત્ર આરોગ્ય કેન્દ્ર પર પરંતુ સોસાયટી, બગીચા, સામાજીક વાડીઓ, દૂધ મંડળીઓ તેમજ ભીડ એકત્ર થાય તેવી જગ્યાઓ પર જઈ લોકોને સમજાવી રસીકરણ ની કામગીરી કરી.

જેનું પરિણામ છે કે જીલ્લામાં આજે 98.33 % ટકા લોકોને રસીકરણ થઈ શક્યું. આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓનું આ કામ સફળ કરવામાં અમૂલ્ય યોગદાન છે.

Published On - 10:10 am, Tue, 11 May 21

Next Video