દ્વારકામાં આવેલા પ્રસિદ્ધ રૂક્ષમણી મંદિરના વિશાળ મેદાનમાં રવિવારે મહારાસ રમાયો છે. પરંપરાગત પરિધાન અને સોનાના આભૂષણોમાં સજ્જ થઈ આહિર સમાજની બહેનો રાસ રમતી જોવા મળી હતી. સતત દોઢ કલાક સુધી મહારાસ રમી આ આહિરાણીઓએ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આજની નવી પેઢી પણ ભારતીય સંસ્કૃતિથી માહિતગાર થાય અને પોતાની સંસ્કૃતિનું ગૌરવ અનુભવે તે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા આયોજિત આ મહારાસના ડ્રોન દ્વારા લેવાયેલા અદ્દભૂત દૃશ્યો સામે આવ્યા છે. જે જોઈને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની લાગણી થયા વિના ન રહે. આ મહારાસને નિહાળવા માટે રાજ્યભરમાંથી 2 લાખથી વધુ લોકો આવ્યા હતા. આ મહારાસ થકી દ્વારકાધિશની નગરીમાં 5000 વર્ષ પૂર્વેનો ઈતિહાસ ફરી સજીવન થયો છે. આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને પુત્રવધુ ઉષા જે બાણાસુરની પુત્રી હતી તેમણે આ જ ધરા પર રાસ રમ્યો હતો. શ્રીકૃષ્ણ અને તેમના વંશજોની તે સ્મૃતિરૂપે જ દ્વારકામાં આ મહારાસનું આયોજન કરાયું હતું. જો કે સમગ્ર કાર્યક્રમના આયોજન પાછળનો મુખ્ય હેતુ હતો એકતા અને શાંતિ સંદેશ તેમજ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઉજાગર કરવાનો હતો.
દ્વારકા નગરીમાં ફરી એકસાથે આટલી મોટી સંખ્યામાં આહિરાણીઓએ મહારાસ રમી ઈતિહાસને પુનર્જિવીત કરવાનુ કામ કર્યુ છે. આ મહારાસના આયોજન થકી હજારો ગોપીઓ વચ્ચે જાણે ભગવાન શ્રીકૃષ્ણ ખુદ રાસ રમવા આવ્યા હોય તેવુ હરકોઈ અનુભવી રહ્યુ હતુ. આજે સમગ્ર દ્વારકાનગરી કૃષ્ણમય બની હતી અને તેનો શ્રેયના જો કોઈ હક્કદાર હોય તો આ આહિરાણીઓ છે. ભક્તિ, ભોજન અને ભજનનો અહીં અદ્દભૂત સમન્વય જોવા મળ્યો. આ રાસ નિહાળવા આવનાર સહુકોઈ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. બે દિવસથી અહીં મોટા પાયે ભાવિકોની સંખ્યાને ધ્યાને રાખી રસોડા ધમધમતા જોવા મળ્યા હતા અને અહીં આવનાર દરેક આગંતુકને ભોજન લઈને જ જવાનો ભાવભર્યો આગ્રહ પણ આજ આહિરાણીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર આયોજન થકી 5000 વર્ષ પૂર્વેનો ઈતિહાસ તો જીવંત થયો જ છે સાથોસાથ સૌરાષ્ટ્ર, કાઠિયાવાડના આતિથ્ય સત્કારનો પણ દર્શન થયા છે.કાઠિયાવાડના આતિથ્ય સત્કાર માટે શામળિયાને પણ સ્વર્ગ ભૂલાવવાની વાત આપણા લોકસાહિત્યમાં જોવા મળે છે, ત્યારે એ જ આતિથ્ય સત્કાર પણ આ બે દિવસના આયોજન થકી અહી આવનારા મહેમાનોને જોવા મળ્યો છે.
દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:20 pm, Sun, 24 December 23