અરવલ્લી (Aravalli) જિલ્લાના માલપુર નજીક અંબાજી પદયાત્રીકોને અકસ્માત નડતા 7 લોકો એ જીવ ગુમાવ્યા છે. ઘટનામાં 9 લોકો ઘાયલ થયા હતા. એક કારે વહેલી સવારે પદયાત્રીકોને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને હિંમતનગરના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં કારનો ચાલક પણ ગંભીર રીતે ઘવાયો છે. કારના ચાલકે અકસ્માતને લઈ મોટો ખુલાસો કર્યો છે. તેણે પોલીસ સમક્ષ સારવાર દરમિયાન જણાવ્યુ હતુ કે તે કલાકોથી સતત કાર હંકારી રહ્યો હતો. તેણે રજૂ કરેલા ખૂલાસાને લઈને કાર હંકારવા દરમિયાનની આરામ એ પણ મહત્વની બાબત છે અને તે તરફ પણ ધ્યાન આપવુ જોઈએ
ઘટના બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસે એફએસએલ અને વાહન વ્યવહાર નિરીક્ષકની પણ મદદ લઈ અભિપ્રાય મેળવીને કાર ચાલક સામે પૂરાવા એકઠા કરવા માટે તજવીજ હાથ ધરી છે. આ ઘટનામાં વહેલી સવારથી પોલીસ કારના ચાલકને શોધી રહી હતી, આ દરમિયાન તે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનુ સામે આવ્યુ હતુ. જેને લઈ પોલીસે હોસ્પિટલ પહોંચી તેની સ્થિતીની જાણકારી મેળવી હતી. આ દરમિયાન પ્રાથમિક વાતચિતમાં જ તેણે અકસ્માત થવા પાછળ ના કારણનો ખૂલાસો કર્યો હતો.
પોલીસ સમક્ષ વાતચીત દરમિયાન સારવાર માટે પથારીવશ ચાલકે કહ્યુ હતુ કે તે ગુરુવારે મહારાષ્ટ્રના પૂણે થી રાજસ્થાનના ઉદયપુર જવા માટે કાર લઈને નિકળ્યો હતો. તે સતત 20 કલાકથી કારને હંકારી રહ્યો હતો. સતત કાર હંકારવાને લઈને તે થાક અનુભવી રહ્યો હતો. આ દરમિયાન લુણાવાડા થી મોડાસા તરફ જવા દરમિયાન માલપુર નજીકના કૃષ્ણપુરા પાસે અકસ્માત સર્જાયો હતો. ચાલકે પ્રાથમિક વાતચીત દરમિયાન બેદરકારી દાખવી હોવાનુ પોલીસનુ તારણ સામે આવી રહ્યુ છે. અકસ્માત દરમિયાન તેની કાર એક પિલ્લર સાથે અથડાઈ હતી.
વાહન હંકારવા દરમિયાન કેટલીક બાબતોનુ ધ્યાન રાખવુ જરુરી છે. જેમ કે, રસ્તા અને ટ્રાફિક મુજબ ગતિનુ ધ્યાન રાખવા સાથે લાંબા અંતર માટે વાહન હંકારતી વેળા આરામ ખૂબ જ જરુરી બાબત છે. ખાસ કરીને કાર ચલાવતી વેળા લાંબો સમય એક ધારી કાર ચલાવ્યા બાદ થોડોક સમય કાર કે હોટલ જેવા આરામ ગૃહ માં થાકમાંથી હળવાશ થઈ શકે એટલો આરામ કરવો જરુરી છે. જેના થી પોતાના અને અન્યના જીવનુ જોખમ ઘટાડી શકાય છે.
આ અંગે હિંમતનગરના જાણિતા મનોવૈજ્ઞાનિક ડો નટુભાઈ પટેલ કહે છે, માણસે તેની દૈનિક 7 થી 8 કલાકની સુવાની અને આરામ કરવાની સાયકલને જાળવવી જોઈએ. એ તૂટે એટલે વ્યક્તિના મગજની કાર્યશક્તિ ઓછી થતી હોય છે. એટલે સતત કાર ચલાવવી કે અન્ય કાર્ય કરવા પરથી વ્યક્તિની એકાગ્રતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. જેથી કાર હંકારતી વખતે ચાલકે ખાસ આરામ કરવા બ્રેક લેવો જોઈએ.
તબીબ નટુભાઈ એ કહ્યુ હતુ કે, યુવાનોએ વધુ પડતા આત્મવિશ્વાસમાં નહીં રહેવુ જોઈએ અને સતત વાહન હંકારવુ જોઈએ નહીં. તેઓએ વિદેશોમાં કેટલાક દેશોમાં જેમ ભારતમાં અમુક ગતિ થી વધુએ વાહન હંકારતા એલર્ટ સિસ્ટમ રણકી ઉઠે છે, એમ ત્યાં અમુક કલાક એન્જિન વાહનનુ ચાલુ રહે એટલે એલર્ટ મોડ એક્ટિવ કરે છે. જે એન્જિન સતત ચાલુ રહે એટલે તુરત જ જેતે નિયંત્રણ કે દેખરેખ કરનારી કચેરીનુ આપ મેળે સંદેશા વડે ધ્યાન દોરે છે અને ચાલક સામે કાર્યવાહી પણ નિયમ તોડવાની સ્થિતીમાં થતી હોય છે.
Published On - 12:51 pm, Fri, 2 September 22