અરવલ્લી જિલ્લાની પોલીસ ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે. વધુ એકવાર દારુને લઈ પોલીસ પર છાંટા ઉડ્યા છે. મેઘરના માલપુર રોડ પર એક કારે બાઈકને અડફેટે લીધી હતી અને બાદમાં એ કારમાંથી ખોખા સગેવગે કરી દેવામાં આવ્યા હતા. જે વિડીયો વાયરલ થવા લાગ્યો હતો અને દારુ સગેવગે કરાયો હોવાના આક્ષેપ થયા હતા. જેને લઈ અરવલ્લી SP એ ઘટનામાં 3 પોલીસ કર્મીઓને તાત્કાલીક અસરથી ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. SP એ ઘટનામાં સામેલ ત્રણેય અધિકારીઓ સામે તપાસના આદેશ આપ્યા છે.
ઘટનામાં જે કારે અકસ્માત સર્જ્યો હતો એ કારની ખુદ પોલીસ કર્મી જ હંકારી રહ્યા હતા. જેઓએ કારમાં રહેલ કાર્ટૂનને બીજી એક કાર બોલાવીને તેમાં હેરફેર કરીને સગેવગે કરી દેવામાં આવ્યા હતા. જોકે આ મામલાના CCTV દૃશ્યો સામે આવ્યા હતા અને જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યા હતા. જેને પગલે પોલીસ પર સવાલો થવા લાગ્યા હતા.
મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદનુસાર બપોરના અરસા દરમિયાન મંગળવારે એક કારે અકસ્માત સર્જ્યો હતો. મેઘરજથી માલપુર જવાના સ્ટેટ હાઈવે માર્ગ પર એક નંબર વિનાની કારે અકસ્માત સર્જ્યો હતો. પૂરઝડપે દોડી રહેલી કારે બાઈકને અડફેટે લેતા તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઈ પ્રાથમિક સારવાર સ્થાનિક હોસ્પિટલમાં કરાવ્યા બાદ તુરત મોડાસા ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતની ઘટનાનો ભોગ બનેલ યુવકના પિતાએ પોલીસને ફરિયાદમાં બતાવ્યુ હતુ કે, પોતાને ઘટના સ્થળેથી લોકો દ્વારા જાણવા મળેલુ કે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અર્જૂનસિંહ ગઢવીની આ કાર હતી અને તેઓ ખુદ કારને હંકારી રહ્યા હતા.
ફરિયાદીએ પોલીસને જણાવ્યુ હતુ કે, એક વિડીયો વાયરલ થયો હતો અને જે મુજબ એક બીજી ગાડીમાં એક વ્યક્તિ ખાખી બોક્સ ઉંચકીને મુકી રહ્યો છે. મારા દિકરાએ પણ જણાવેલ કે કારનો ચાલકનો પોલીસ કર્મી અર્જૂનસિંહ ગઢવી હતા. સાથે જ લોકોએ પણ ત્યાં ચર્ચાઓ કરી હતી કે, ગાડીમાં દારુ હતો અને મારુ પોતાનુ પણ માનવુ છે કે તે દારુ હતો એમ ફરિયાદમાં જણાવેલ. આમ આ બાબતે તપાસ થવા માટે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવાઈ હતી.
ઘટનાને લઈ પોલીસ પર દારુ સગેવગે કરવાના આક્ષેપો થઈ રહ્યા હતા. બીજી તરફ CCTV વિડીયો વાયરલ થવા લાગ્યા હતા. જેને લઈ પ્રાથમિક તપાસને લઈ અર્જૂનસિંહ ગઢવી સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ એસપીએ કર્યો હતો. અરવલ્લી SP સંજય ખરાતે આ અંગેની જાણકારી મીડિયાને બુધવારે બપોરે આપી હતી. તેઓએ બતાવ્યુ હતુ કે, પોલીસ કર્મીઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે કાર્યવાહી હેડક્વાર્ટર DySP ને તપાસ સોંપવામાં આવી છે.
Published On - 5:33 pm, Wed, 8 March 23