અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના ભાટકોટા અને સરડોઈ વિસ્તારમાં દિપડો અને તેનો પરીવાર ફરતો હોવાને લઈ સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી રહ્યો છે.વિસ્તારમાં હવે રહેઠાણોની આસપાસ દિપડો અને તેનો પરિવાર જોવા મળવાને લઈ લોકોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખેતરમાં ખેડૂતો પણ ખેતી કામકાજ માટે ડરનો માહોલ અનુભવે છે, જેને લઈ એક ખેડૂતે તો પોતે જ પાંજરામાં પુરાઈને પાકનુ રક્ષણ કરવાનો નુસ્ખો અજમાવવા મજબૂર બનવુ પડ્યુ છે.
સ્થાનિકોએ ઝડપતી દિપડા અને તેના પરીવારને જંગલમાં સુરક્ષીત ખસેડવા માટે વન વિભાગને રજુઆત કરી છે. જેથી સ્થાનિક ખેડૂતો અને વિસ્તારના રહીશોને ડર દૂર થાય. હવે જિલ્લાના વન વિભાગ દ્વારા પ્રયાસો આ માટે શરુ કરવામાં આવ્યા છે અને 2 મોટા પાંજરા દિપડાને પકડવા માટે ગોઠવ્યા છે.
ખેડુતોને હવે ખેતરમાં ખેતીના પાકનુ રક્ષણ કરવા જવાને લઈને પણ ડર લાગી રહ્યો છે. એક તરફ જંગલી જાનવરો પણ આ વિસ્તારમાં પાકમાં રાત્રી દરમિયાન પાકને નુક્શાન કરતા હોય છે. નીલ ગાયો અને જંગલી ભુંડથી પરેશાન ખેડૂતો પાકને બચાવવા માટે ખેતરમાં ઉજાગરા કરતા હોય છે. જેથી એક ખેડૂતે તો હવે ખેતરમાં ખુદને માટે પાંજરુ બનાવી લીધુ છે. આ પાંજરામાં દિપડો નહીં પરંતુ ખુદ ખેડૂત જ દિવસ અને રાત પુરાઈ રહે છે અને ખેતી પાકનુ રક્ષણ કરે છે.
ખેડૂત ભરતભાઈ રાવ કહે છે, દિપડાએ તેમની પર ભૂતકાળમાં હુમલો કર્યો હતો. તેમને દિપડાના સાક્ષાત્કાર થયા બાદ તેઓએ આખરે હવે જીવ બચાવવા માટે પોતાને સુરક્ષિત રહેવા જ પાંજરુ બનાવ્યુ છે. જે પાંજરામાં તેઓ રાત્રે અને ખેતરમાં રખવાળી દરમિયાન રહે છે.
સરડોઈ વિસ્તારમાં ડરનો માહોલ છેલ્લા વીસેક દિવસથી રહ્યો છે. અહીં માદા અને નર દિપડાની જોડી સાથે બે બાળ દિપડા હોવાને લઈ વિસ્તારના લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. અનેક વાર દિપડાએ વિસ્તારમાં પરિવાર સાથે દેખા દીધી છે. રાત્રી દરમિયાન દિપડાનો પરિવાર હવે રહેણાંક વિસ્તારમાં ધસી આવતો જોવા મળવાને લઈ ગામમાં ડરનો માહોલ વ્યાપ્યો છે. સરડોઈ અને આસપાના વિસ્તારમાં મોટા પ્રમાણમાં જંગલ વ્યાપેલુ છે. અહીં જંગલ વિસ્તાર રહેણાંક વિસ્તારની નજીક છે. જેને લઈ આસપાસના વિસ્તારમાં જંગલી જાનવરોનો ખતરો વધુ રહ્યો છે. જોકે હવે દિપડાની દહેશતે લોકોને પરેશાન કરી દીધા છે.
સ્થાનિક વનવિભાગ માટે બે પડકાર છે. એક તો સ્થાનિકોને સલામતી મળી રહે અને બીજુ બાળ દિપડા સહિતના જંગલ જાનવર સુરક્ષિત રહે. આ અંગે વનપાલ મહેશકુમારે TV9 સાથે વાતચિત કરતા કહ્યુ કે, વિસ્તારમાં દિપડાને લઈ હવે વનવિભાગ દ્વારા 2 પાંજરા ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચોક્કસ રુટ અને દિપડાના પરીવારનુ લોકેશન ટ્રેસ કરવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ માટે 7 જેટલી વનવિભાગની ટુકડીઓ બનાવાઈ છે. જેમના દ્વારા વિસ્તારમાં દિપડાના પરીવારને સુરક્ષીત સ્થળ તરફ ખસેડવા અને તેનુ રહેણાંક વિસ્તાર ચોક્કસ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સાથે જ બાળ દિપડા હોઈ લોકોને પણ સુરક્ષીત રહેવા અને પ્રાણીઓને કોઈ નુક્શાન ના પહોંચે એ માટે અપીલ કરવામાં આવી છે.
Published On - 3:22 pm, Tue, 21 February 23