ગૃહમંત્રી અમિત શાહે ડેરી ઉદ્યોગના વિકાસ માટે 5 હજાર કરોડની ડેરી સહકાર યોજના લોન્‍ચ કરી

અમિત શાહે દુધનગરી આણંદમાં એશિયાની સૌથી મોટી અમુલ ડેરીના પરિસરમાં નવનિર્મિત સરદાર સભા ગૃહનું લોકાર્પણ કરવા સાથે કણજરી દાણ ફેકટરીમાં 1.72 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ઇથનો વેટરનરી પ્રોડક્સનું લોન્‍ચીંગ કર્યું હતું.

ગૃહમંત્રી અમિત શાહે  ડેરી ઉદ્યોગના વિકાસ માટે 5  હજાર કરોડની ડેરી સહકાર યોજના લોન્‍ચ કરી
Home Minister Amit Shah launches Rs 5,000 crore dairy co-operation scheme for dairy industry development
| Edited By: | Updated on: Oct 31, 2021 | 8:20 PM

ANAND : અમુલના 75 વર્ષ પૂર્ણ થતા (#75YearsOfAmul) આ પ્રસંગે યોજાયેલા અમૃત મહોત્સવમાં કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (AMIT SHAH)એ રાષ્‍ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC)દ્વારા ડેરી ઉદ્યોગના વિકાસ માટે 5 હજાર કરોડની ડેરી સહકાર યોજનાનું લોન્‍ચીંગ કર્યું હતું.

આ સાથે તેમણે રાજ્યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ (Bhupendra Patel)ની ઉપસ્‍થિતિમાં દુધનગરી આણંદમાં એશિયાની સૌથી મોટી અમુલ ડેરીના પરિસરમાં નવનિર્મિત સરદાર સભા ગૃહનું લોકાર્પણ કરવા સાથે કણજરી દાણ ફેકટરીમાં 1.72 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ઇથનો વેટરનરી પ્રોડક્સનું લોન્‍ચીંગ કર્યું હતું. તેમણે ખાત્રજમાં 2500 મેટ્રીક ટન ચીજની સંગ્રહ ક્ષમતા ધરાવતા ચીઝ વેર હાઉસનું પણ લોકાર્પણ કર્યું હતું.

અમુલ દ્વારા બનાવવામાં આવેલ જૈવિક ખાતર (Biofertilizer)નું લોન્‍ચીંગ કરવા સાથે ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમુલની 75 વર્ષની સફળ ગાથા નિદર્શન કરતી સ્‍મરણિકાનું પણ વિમોચન કર્યું હતું.

આ સાથે તેમણે વિશેષ પોસ્‍ટલ સ્‍ટેમ્‍પ તથા ભારતીય પોસ્‍ટ વિભાગ દ્વારા સ્‍પેશિયલ કવર અને દેશમાં 100 કરોડ કોરોના રસીકરણની ઐતિહાસિક સિધ્‍ધિ બદલ વિશેષ એન્‍વલપનું અનાવરણ કર્યું હતું. આ અવસરે તેમના હસ્‍તે મહત્તમ દુધ ઉત્‍પાદક મહિલા સભાસદો, મહત્તમ ઉત્‍પાદક દુધ મંડળીઓના ચેરમેનોનું સન્‍માન કરવામાં આવ્યું હતું.

કેન્‍દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ સહિત કેન્‍દ્ર-રાજય સરકારના મંત્રીઓએ ડેરીના પ્‍લાન્‍ટની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે ગૃહમંત્રી શાહે જણાવ્‍યું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ પોતાની આગવી દૃષ્‍ટીથી સહકારિતા મંત્રાલયની રચના કરી છે. સહકારથી સમૃધ્‍ધિના ધ્‍યેય મંત્ર સાથે સહકારિતા મંત્રાલય દ્ધારા સહકારી માળખાને વધુ સુદ્ધઢ બનાવવા જરૂરી બદલાવ કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, ઇફકો, ક્રિભકો અને લિજ્જત પાપડ જેવા સહકારિતાના સફળ મોડેલ આપણી સમક્ષ છે ત્‍યારે કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલા વિષયોને સહકારિતા સાથે જોડી આત્‍મનિર્ભર બનાવવાની દિશા તરફ આગળ વધુ વધવું પડશે. અમુલ જેવી સહકારી સંસ્‍થા આ ક્ષેત્રે પોતાનું યોગદાન આપે તે સમયની માંગ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ખેડૂતો સજીવ અને પ્રાકૃતિક ખેતી તરફ વળે એટલું જ નહીં ખેડૂતો દ્ધારા ઉત્‍પાદિત ફળ, ફુલ, શાકભાજી અને ધાન્‍ય જેવી ખેત પેદાશોને સહકારિતાના ધોરણે યોગ્‍ય વેચાણ વ્‍યવસ્‍થા ઉભી કરવા અમુલને પ્‍લેટફોર્મ પુરૂ પાડવા તેમણે આહવાન કર્યું હતું. તેમણે જણાવ્‍યું કે, સહકારિતાના માધ્‍યમથી ખેતી-ખેડૂતો, પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે સમય સાથે આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે બદલાવ લાવી ખેડૂતોની આવક બમણી કરવામાં સહકારિતાનું આગવું પ્રદાન રહેશે. તેમણે કેન્‍દ્ર સરકારની ડેરી સહકાર યોજનાનો વિશેષ લાભ લઇ ગુજરાતના ડેરી ઉદ્યોગના આંતર માળખાકીય સુવિધામાં વધારો કરવા દુધ સંઘોના સંચાલકોને અનુરોધ કર્યો હતો.