આણંદ (Anand) જિલ્લામાં આવેલાં ગોકુલધામ-નાર દ્વારા સદ્દવિદ્યા સેવાયજ્ઞનાં ભાગરૂપે હેલ્પીંગ હેન્ડ ફોર હ્યુમિનીટી વર્જિનીયા (Virginia) – યુ.એસ.એ. ના આર્થિક સહયોગથી આણંદ જિલ્લાની 365 ગામની 1019 સરકારી પ્રાથમિક શાળા (Primary school) ઓમાં ધોરણ 1 થી 8ના બે લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું આજરોજ તા.16-06-2022 ના રોજ એક સાથે એક જ સમયે સવારે 9 કલાકે વિતરણ કરવામાં આવ્યું હતું. ગોકુલધામ-નારનાં સ્વપ્ન દ્રષ્ટા સાધુ શુકદેવપ્રસાદ સ્વામી અને સાધુ હરિકેશવ સ્વામીની સંકલ્પનાથી કાર્ય પરિપૂર્ણ કરવામાં આવ્યું છે. ધો 1 થી 8 નાં વિદ્યાર્થીઓને નાસ્તાનાં ડબ્બા, બિસ્કીટ પેકેટ, પેન્સિલ તેમજ નોટો અને ચોપડાનું વિતરણ કરી સદવિદ્યા સેવાયજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યો છે. આ સાથે એક જ સમયે આટલી મોટી સંખ્યામાં કીટનું વિતરણ કરવા બદલ ગિનિસ બુક (Guinness Book) માં સ્થાન મેળવ્યું છે.
આણંદ જિલ્લાની 1019 શાળાઓમાં ગામનાં અગ્રણી આગેવાનોના વરદ હસ્તે આ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તારાપુર તાલુકાના વિતરણની જવાબદારી ભૂપેન્દ્રભાઇ પટેલે સંભાળી હતી. ગોકુલધામ નારના હરિકૃષ્ણ સ્વામીએ તારાપુરની કુમાર શાળા અને બોરસદની શાળામાં વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. જનમંગલ સ્વામી તેમજ પરેશભાઇ ધરજીયાએ રૂણજ ગામની પ્રાથમિક શાળામાં, તપોમૂર્તિ મોહન સ્વામીજીએ તેમજ ભાવસર સાહેબ-પ્રિન્સિપાલ રામોદડીની પ્રા. શાળામાં, તેમજ પંડોળીની પ્રા.શાળામાં ચિરાગભાઇ અને બાંધણી ગામે રઢુપુરા પ્રા.શાળામાં મનુભાઇ રાઠોડ અને જૈમીનભાઇ પટેલે હાજરી આપી ગોકુલધામ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિનો વિશેષ પરિચય આપ્યો હતો. જિલ્લાની તમામ 1019 શાળાઓના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને એક જ દિવસે એક સમયે શૈક્ષણિક કીટનું વિતરણ કરી ગોકુલધામ-નાર દ્વારા સદવિદ્યા સેવાયજ્ઞ સાથે વિશ્વ વિક્રમ આ અનોખી સેવાને પ્રાપ્ત થશે.
આણંદ જિલ્લાની એક જ દિવસે એક જ સમયે 365 ગામોની 1019 સરકારી શાળાનાં 2 લાખથી વધારે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. ગત સોમવારથી રાજ્યની તમામ સ્કૂલો ખૂલી ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે નાસ્તાનાં ડબ્બા, બિસ્કીટ પેકેટ, પેન્સિલ તેમજ નોટો અને ચોપડા સૌથી મહત્ત્વના હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લાની સ્કૂલોમાં તેનું વિતરણ કરવામાં આવ્યું છે.