પોલીસ સુરક્ષા વગર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર ઓટો દ્વારા પહોચ્યા સિવિલ કોર્ટ, જાણો પછી શું થયું

ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે બપોરે 3:50 વાગ્યે કોર્ટના 5 વરિષ્ઠ જજ ગાયબ હતા, જ્યારે કોર્ટનો સમય સાંજે 5 વાગ્યા સુધીનો છે. ત્યારબાદ તેઓ માસ્ક પહેરીને કોર્ટરૂમમાં બેઠા જેથી કોઈ તેમને ઓળખી ન શકે.

પોલીસ સુરક્ષા વગર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર ઓટો દ્વારા પહોચ્યા સિવિલ કોર્ટ, જાણો પછી શું થયું
Secret visit by Gujarat HC CJ Arvind Kumar to Ahmedabad City court 5 Judges absent from court rooms
| Edited By: | Updated on: Oct 31, 2021 | 11:01 PM

AHMEDABAD : ગુજરાત હાઈકોર્ટ (Gujrat High Court)ના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર ( CJ Arvind Kumar) શુક્રવારે અમદાવાદ સિવિલ કોર્ટનું નિરીક્ષણ કરવા કોઈને જાણ ન થાય એવી રીતે પહોંચ્યા અને ત્યાં તેમણે જે જોયું તે જોઈને તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રાપ્ત માહિતી અનુસાર, જસ્ટિસ અરવિંદ કુમાર લગભગ 1 કિલોમીટર પહેલા તેમની પોલીસ સુરક્ષા છોડીને ઓટો દ્વારા કોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને કોર્ટના પાંચ વરિષ્ઠ જજો ગેરહાજર જણાયા હતા. ચીફ જસ્ટિસે આ જજોને ચેતવણી આપી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જસ્ટિસ અરવિંદ જ્યારે સિવિલ કોર્ટ પહોંચ્યા ત્યારે તેમણે સામાન્ય પેન્ટ અને શર્ટ પહેર્યો હતો જેથી તેઓ સામાન્ય માણસ જેવા દેખાય. જસ્ટિસ અરવિંદની થોડા સમય પહેલા જ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ તપાસ પહેલા તેમણે તેના સ્ટાફને કે સિવિલ કોર્ટમાં કોઈને જાણ કરી ન હતી. કોઈને ખબર ન પડે તે માટે તે સિક્યોરિટીને થોડે દૂર છોડીને ઓટો લઈને ત્યાંથી કોર્ટ પહોચ્યા હતા.

સિવિલ કોર્ટની શું સ્થિતિ હતી?
મળતી માહિતી મુજબ, કોર્ટમાં પ્રવેશતા જસ્ટિસ અરવિંદે જોયું કે સુરક્ષા વ્યવસ્થા પણ નામ માત્ર હતી. સૂત્રએ કહ્યું કે ધનબાદ અને દિલ્હી કોર્ટની ઘટનાઓ હોવા છતાં, સિવિલ કોર્ટ પરિસરમાં પૂરતી સુરક્ષા હાજર ન હતી. ગેટ પર પણ કોઈ સુરક્ષા કર્મચારી હાજર ન હતા. મુખ્ય ન્યાયાધીશ એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે બપોરે 3:50 વાગ્યે કોર્ટના માત્ર 5 વરિષ્ઠ જજ ગાયબ હતા, જ્યારે કોર્ટનો સમય સાંજે 5 વાગ્યા સુધીનો છે. ત્યારબાદ જસ્ટિસ અરવિંદ પ્રિન્સિપલ સેશન્સ જજ પાસે પહોંચ્યા જે તેમના ન્યાયિક કામમાં વ્યસ્ત હતા. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર કોર્ટરૂમમાં માસ્ક પહેરીને બેઠા હતા જેથી કોઈ તેમને ઓળખી ન શકે, અને સમગ્ર કાર્યવાહી સાંભળી.

પાંચ જજોને નોટિસ આપવામાં આવી
મુખ્ય ન્યાયાધીશે ગેરહાજર આ પાંચ જજોને નોટિસ ફટકારી છે. આ તમામને સાંજે 5 વાગ્યા સુધી કોર્ટરૂમમાં હાજર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે ચીફ જસ્ટિસ આવી ખાસ મુલાકાતો લેતા નથી. સામાન્ય રીતે હાઈકોર્ટના ન્યાયાધીશો નીચલી અદાલતમાં એવા લોકોની નિમણૂક કરે છે જેઓ ત્યાં ચાલી રહેલા કામની માહિતી આપતા રહે છે.

આવો જ એક કિસ્સો દિલ્હીમાં સામે આવ્યો હતો
થોડા વર્ષો પહેલા દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલ (Geeta Mittal)એ પણ આવું જ આશ્ચર્યજનક નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પણ ઘણા ન્યાયિક અધિકારીઓ કોર્ટરૂમ અને અન્ય ન્યાયિક કાર્યવાહીમાંથી ગાયબ જોવા મળ્યા હતા. ગીતા મિત્તલ સવારે 10 વાગે નિરીક્ષણ માટે પહોંચ્યા હતા પરંતુ ઘણા અધિકારીઓ ગાયબ હતા.

ગુજરાતની નીચલી અદાલતોમાં મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ છે. નેશનલ જ્યુડિશિયલ ગ્રીડના ડેટા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધીમાં 4.6 લાખથી વધુ સિવિલ કેસ અને 15.3 લાખ ફોજદારી કેસ સહિત 20 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. અમદાવાદમાં કુલ 5.48 લાખ કેસ પેન્ડિંગ છે, જેમાંથી 97,000 સિવિલ કેસો અને 4.51 લાખ ફોજદારી કેસ છે.