હાર્દિક પટેલ (Hardik patel) અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશન (Ramol police station) માં નોંધાયેલ તોડફોડ અને રાયોટીંગનાના ગુના સબબ થયેલી ફરિયાદ પરત ખેંચવા રાજ્ય સરકારે કરેલી રિવિઝન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. કોર્ટે (Court) આ અરજી મંજુર રાખતાં હાર્દિક પટેલ અને અન્ય 20 આરોપીઓને રાહત મળી છે.
ગત 21 માર્ચના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાર્દિક પટેલ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ સહિત કુલ 10 કેસ પાછા ખેચવાની જાહેરાત કરી હતી. કેટલાક પાટીદાર નેતાઓ પાટીદાર અનામત આંદોલન દરમિયાનના કેસ પાછા ખેંચવા સરકારને રજૂઆત કરી ચૂક્યા હતા. ત્યારે સરકારે ચૂંટણી પહેલા મહત્વનો નિર્ણય લેતા પાટીદાર સામેના વધુ 10 કેસ પાછા ખેંચી લેવાની જાહેરાત કરાઈ હતી અને ત્યાર બાદ આ કેસ પાછા ખેચવા કોર્ટમાં અરજી કરાઈ હતી.
રાજ્ય સરકારે પરત ખેંચેલા કેસ પર નજર કરીએ તો, અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી કુલ 7 કેસ પરત ખેંચાયા છે. તો મેટ્રોપોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે. જેમાં નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચના 1-1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે સાબરમતી, નવરંગપુરા અને શહેરકોટડા પોલીસ મથકના 1-1 કેસ પરત ખેંચાયો છે. સાથે જ કૃષ્ણનગર પોલીસ મથકના પણ 2 કેસ પરત ખેંચવામાં આવ્યા છે. જોકે રામોલ પોલીસ સ્ટેશનના કેસ અંગે 15 એપ્રિલે એટલે કે આજે હુક્મ થશે.
મહત્વપૂર્ણ છે કે 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે GMDCની સભા બાદ અમદાવાદ સહિત અનેક શહેરોમાં મોટાપાયે તોફાનો ફાટી નિકળ્યા હતા. જેમાં સરકારી મિલ્કતને નુકસાન અને રાયોટિંગ મામલે કુલ 485 પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જોકે જેતે સમયે 228 જેટલી ફરિયાદો પાછી ખેંચી લેવાઇ હતી. તો આનંદીબેન પટેલની સરકારે 140 કેસો પરત ખેંચ્યા હતા. વિજય રૂપાણી સરકારમાં પણ કેસ પાછા ખેંચવામાં આવ્યા હતા. જોકે PAASનો દાવો છે કે હજુ પણ 140થી વધુ કેસો પેન્ડિંગ છે. જે સરકારે પરત ખેંચવા જોઇએ.
Published On - 5:02 pm, Mon, 9 May 22