બોટાદમાં ઝેરી દારૂકાંડમાં પોલીસ અધિકારીઓના સસ્પેન્શન સામે વિપક્ષ અને કોંગ્રેસનો વિરોધ, કહ્યુ સસ્પેન્ડ નહીં સીધા જ ડિસમિસ કરો

|

Jul 28, 2022 | 5:33 PM

બોટાદમાં ઝેરી દારૂકાંડ બાદ ગૃહવિભાગે કાર્યવાહી કરતા બે SPની બદલી કરી છે અને બોટાદ અને ધોળકાના DYSP અને બરવાળા, ધંધુકા અને રાણપુરના PSIને સસ્પેન્ડ કર્યા છે ત્યારે ગૃહવિભાગની આ કાર્યવાહી સામે વિપક્ષ કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે અને પોલીસ અધિકારીઓને સીધા ડિસમિસ કરવાની માગ કરી છે.

બોટાદમાં ઝેરી દારૂકાંડ (Hooch Tragedy) બાદ અનેક ટોચના પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે વિપક્ષ કોંગ્રેસ (Congress) એ ભાજપની કામગીરી સામે શંકા વ્યક્ત કરી છે અને દારૂકાંડમાં જવાબદાર   પોલીસ (Police)અધિકારીઓને સસ્પેન્ડ (Suspend)નહીં પરંતુ સીધા જ ડિસમિસ કરવાની માગ કરી છે. કોંગ્રેસે આરોપ લગાડ્યો છે કે ભાજપ ઉચ્ચ અધિકારીઓને છાવરી રહી છે. કોંગ્રેસે સમગ્ર ઘટનાની તપાસ બિપિન આહિર અને નિર્લિપ્ત રાયને સોંપવાની માગ કરી છે. કોંગ્રેસે કહ્યુ કે ગુજરાતમાં 15 હજાર કરોડનું ડ્રગ્સ અને દારૂનુ નેટવર્ક છે. જેમા 2 વર્ષમાં જ ગુજરાતમાં 215 કરોડનો દારૂ પકડાયો છે. ગુજરાતમાં દારૂના અડ્ડાઓ ક્યાં ક્યાં ધમધમે છે તેની માહિતી પણ અમે સરકારને આપશુ.

નિર્લિપ્ત રાય અને બિપિન આહિરને તપાસ સોંપવા વિપક્ષની માગ

બનાસકાંઠાના વાવથી અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યુ કે જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓને ડિસમિસ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગુજરાતમાં દારૂ, જુગાર અને ડ્રગ્સ બંધ થવાના નથી. મેવાણીએ વધુમાં કહ્યુ કે મીડિયાનું અને વિપક્ષનું પ્રેશર હોય ત્યાં સુધી કામચલાઉ બે-પાંચ મહિના સુધી એક ઔપચારિક્તાના ભાગરૂપે સસ્પેન્શન કરવામાં આવે છે અને જેવી તમામ લોકોની નજર હટે એટલે તરત અધિકારીઓને પરત લઈ લેવામાં આવે છે.

મેવાણીએ કહ્યુ કે આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. તમારે અધિકારીઓને ડિસમિસ કરવા પડશે. જવાબદાર અધિકારીઓ સામે પણ ટ્રાયલ ચાલવી જોઈએ અને જેલ થવી જોઈએ તો જ ગુજરાતની માતાઓ બહેનો અને દીકરીઓ વિધવા થતી એટકશે તેમ મેવાણીએ કહ્યુ હતુ. હાલ દારૂકાંડ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ પણ સરકાર સામે આકરા પાણીએ છે અને એકપણ મચક આપવા માગતુ ન હોય તેમ બેટિંગ કરી રહી છે.  આપને જણાવી દઈએ કે કોંગ્રેસ સમગ્ર ઘટનાની તપાસ નિર્લિપ્ત રાય અને બિપિન આહિરને સોંપવાની માગ કરી રહી છે.

Next Video