AHMEDABAD : ગુજરાત સરકારે રાજ્યના નાગરીકોની સુખાકારી અને આરોગ્યની જાળવણી માટે આરોગ્ય ક્ષેત્રે વધુ એક પગલું ભર્યું છે. રાજ્યમાં આજથી નિરામય ગુજરાત (Niramay Gujarat)આરોગ્ય યોજનાની શરૂઆત થઇ છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પાલનપુરથી રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે અમદાવાદથી આ યોજનાની શરૂઆત કરાવી છે.
પાલનપુરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો. તો અમદાવાદમાં સિંગરવા ખાતે પ્રાથમિક શાળાના મેદાનમાં યોજાયેલ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિરામય ગુજરાત અભિયાનનો શુભારંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી અને ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા અને ધારાસભ્ય બાબુ જમના પટેલ સહિત અધિકારીઓ અને ગ્રામજનો જોડાયા હતા.
નિરામય ગુજરાત યોજના વિશે
રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્યને લઈને હંમેશા ચિંતાતુર રહી છે. તે પછી સામાન્ય રોગ હોય કે પછી કોરોના જેવી મહામારી અને તેમાં પણ કોરોનાએ સ્વાસ્થ્ય કેટલું જરૂરી છે તેને લઈને લોકોમાં પણ જાગૃતિ લાવી દીધી છે. ત્યાં બીજી તરફ રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતાતુર બની આગળ આવી અને એક અલગ અભિયાન શરૂ કર્યું. જેને નિરામય ગુજરાત નામ આપ્યું.
હાઈ બીપી, ડાયાબિટીસ, કેન્સર સહિતના બિનચેપી રોગોના વધતાં કેસોના પગલે આવા કેસ રોકવા માટે આ અભિયાન શરૂ કરાયુ. જે યોજના અંતર્ગત રાજ્યના 3 કરોડથી વધુ નાગરિકો ના આરોગ્ય સ્ક્રિનીંગ થશે. રાજ્યના 30 વર્ષથી વધુ વયના 3 કરોડથી વધુ એટલે કે 40 ટકા નાગરિકોને સાંકળી લેતી યોજના છે.
દર શુક્રવારે નાગરિકોના આરોગ્યની તપાસ થશે
રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, બ્લડ પ્રેશર, લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ છે, જે ગંભીર બાબત છે. ત્યારે આ પ્રકારના રોગોથી કાળજી લેવા 30 થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે સ્ક્રીનિંગ કરવા આ યોજના શરૂ કરાઇ છે. જેમાં સારવારથી લઈને નિદાન સુધી તમામ પ્રક્રિયા કરાશે. જેની અંદર રાજ્યના PHC, CHC, અને સરકારી હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરાશે.
પાલનપુરથી શરૂ કરાયેલ આ કાર્યક્રમમાં પાલનપુરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન આપ્યું. જેમાં તેઓએ જણાવ્યું કે બહાર ફરવા ગયેલા લોકોને કોરોના થયો છે જે ગંભીર બાબત છે. જેથી દરેકે ચેતવું પડશે અને રસી લેવી પડશે. સાથે સાવચેતી રાખવી પડશે.
આ પણ વાંચો : અમદાવાદના નગરજનો માટે સારા સમાચાર, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મળશે વધુ એક નવું નજરાણું