AHMEDABAD : ગાંધીના ગુજરાતમાં ઘરે ઘરે નળમાં નીકળે છે દારૂ, જાણો શું છે સમગ્ર મામલો

|

Sep 05, 2021 | 2:06 PM

વણઝર ગામે છેલ્લા 1 મહિનાથી 4 વાસના 400 ઘરોમાં દારુવાળું અને ખરાબ પાણી મળતું હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે.

AHMEDABAD : હજી તો બે દિવસ પહેલા જ રાજ્યના ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યમાં દારૂબંધી ક્યારેય નહિ હટે અને દારૂબંધીનો કાયદો વધુ કડક બનશે. નીતિન પટેલે આપેલા આ નિવેદનને હજી બે દિવસ થયા નથી અને અમદાવાદમાં સરખેજ પાસે આવેલા વણઝર ગામે ઘરે ઘરે નળમાંથી દારૂ આવવા લાગ્યો છે. એક બાજુ કડક દારૂબંધીની વાતો અને બીજી બાજુ અમદાવાદમાં ઘરે બેઠાં જ નળમાંથી દારૂ આવે એવી તો કલ્પના પણ કેમ થઈ શકે ?

અમદાવાદમાં સરખેજ પાસે આવેલા વણઝર ગામે ઘરે ઘરે નળમાંથી દારૂ નીકળી રહ્યો છે. અહીં લોકોના ઘરમાં સીધે સીધો દારૂ તો નહીં પણ પાણીમાં દારૂ અથવા કહો કે દારૂમાં પાણી મીક્સ થઈને આવે છે.કારણ છે અહીં ખુલ્લેઆમ ચાલતી દારૂની ભઠ્ઠીઓ. સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં ગટર લાઈનનું કામ ચાલે છે તેમાં ભંગાણ અને આ દારૂની ભઠ્ઠી સાથે ગટરલાઈન પણ મિક્સ થઈ જાય છે. જેને કારણે સ્થાનિકોએ આવું દારૂવાળું અને ગંદુ ગટરવાળુ પાણી પીવું પડી રહ્યું છે.

વણઝર ગામે છેલ્લા 1 મહિનાથી 4 વાસના 400 ઘરોમાં દારુવાળું અને ખરાબ પાણી મળતું હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે.જેના કારણે અનેક પરિવારોમાં લોકો બિમાર પડ્યા છે. સ્થાનિક નેતાઓ, સહિત દરેક જગ્યાએ ફરિયાદ કરી, દારૂની ભઠ્ઠી અંગે પોલીસને રજૂઆત કરી પરંતુ હંમેશ મુજબ તેમને સાંભળનાર કોઈ નથી.

તો આ તરફ પોલીસેનું કહેવું છે કે પોલીસ કાર્યવાહી કરી જ રહી છે અને દારૂની ભઠ્ઠી ચલાવનાર સામે પણ 27 જેટલા કેસ કર્યા છે, પાસા પણ કરાઈ છે. રહી વાત દારૂવાળા પાણીની તો પોલીસનું કહેવું છે કે આ પાણીનું સેમ્પલ FSLમાં તપાસ માટે મોકલ્યું છે, જેનો રિપોર્ટ આવ્યે ખુલાસો થશે.

રિપોર્ટ તો આવતા આવશે અને કાર્યવાહી થતા થશે પરંતુ ત્યાં સુધી તો આ ગામના લોકોએ જેમાં સ્વાભાવિક જ મહિલાઓ અને બાળકો પણ છે, તેમણે તો આ દારૂ મિશ્રિત પાણી જ પીવું જ પડશેને? આટલી ગંભીર બાબત હોવા છતાં બધુ કામ સરકારી ગતિએ થઈ રહ્યું છે એ જ આઘાતની વાત છે.

આ પણ વાંચો :

Next Video