Ahmedabad : રાજ્યના પોલીસ વડાનો આદેશ છતાંય પોલીસકર્મીઓ (Policemen) નિયમોનો ભંગ કરતા હોવાથી તેઓ આદેશને ઘોળીને પી ગયા હોય એવુ દેખાઇ રહ્યુ છે, લોકોને નિયમોનું પાલન કરાવનારા પોલીસકર્મીઓ જ હેલ્મેટ સિવાય અને પોલીસની નેમ પ્લેટવાળી ગાડીઓ સાથે જોવા મળ્યા. લો એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે પોલીસની જવાબદારી જનતા પાસે નિયમોનું પાલન કરાવવાની છે, પરતુ tv9ના રિયાલિટી ચેકમાં દ્રશ્યો એવા જોવા મળ્યા કે જાણે આદેશનાં પાલનની કોઇ ગંભીરતા જ નથી.
અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ પોલીસ હેડ ક્વાર્ટર્સ બહાર હજી પણ જાણે રાજ્ય પોલીસવડાના આદેશની ગંભીરતા પોલીસકર્મીઓમાં છે નહીં એવુ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. સવારથી સાંજ સુધીમાં લોકોને દંડનો મેમો પકડાવતા અને ઓનલાઇન મેમો મોકલતા પોલીસકર્મીઓ પણ નિયમોનું પાલન કરવા માટે એટલા જ જવાબદાર છે, ત્યારે હજી તો ગઇકાલે જ પોલીસ હેડક્વાર્ટરમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યુ તેમ છતાંય આજે બીજા દિવસે પરિણામ શુન્ય જ જોવા મળ્યું છે.
અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ પર રિયાલિટી ચેક કરતા એક પણ જેલ સિપાઈ હેલમેટ ઉપયોગ ન કરતો હોવાનું જોવા મળ્યું હતું. જેમાં કેટલાક પોલીસકર્મીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે વાત કરવાનું ટાળ્યું હતું. જ્યારે લોકોને દંડ ભરવા માટે તેમજ નિયમોનું પાલન કરાવવા માટે અવેરનેસ કેમ્પેઇન અને ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે, ત્યારે હવે તો કાયદાના રક્ષકો માટે જ એક ડ્રાઇવ કરવાની જરૂર છે એવું લાગી રહ્યુ છે.
પોલીસ લખેલી નેમ પ્લેટ માટે પણ કંઇક આ જ વાત જોવા મળી, જ્યારે તમે ફેન્સી નંબર પ્લેટ વાળા સામે કાર્યવાહી કરો છો ત્યારે એ નિયમ પોલીસકર્મીઓ માટે પણ એટલો જ લાગુ પડે છે, પોલીસ કાયદાથી ઉપર નથી, પોલીસ કાયદાનું પાલન કરાવનારી લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે.
ગુજરાત અને ભારતમાં ઘડાતા કાયદાઓનું પાલન કરાવવા અને કરવા માટે તેઓ પણ એટલા જ બંધાયા છે જેટલા દેશના સામાન્ય નાગરિકો. ત્યારે હવે જોવાનું એ રહેશે કે tv9ના રિયાલિટી ચેક બાદ પોલીસ કર્મીઓ નિયમોનું પાલન કરે છે કે માત્ર પ્રજાને પાલન કરાવે છે.