AHMEDABAD : અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ડ્રોન મહોત્સવ યોજાયો.નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગુજરાત ડ્રોન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું…છેલ્લા વર્ષોમાં ડ્રોન વિવિધ સ૨કારી અને વ્યાપારી ક્ષેત્રો જેમ કે સં૨ક્ષણ અને લશ્કરી સંસ્થા, ખેતીવાડી, વન, સર્વે, આરોગ્ય, ફાયર વિભાગ તેમજ અન્ય ક્ષેત્રોમાં ખુબ મહત્વપુર્ણ સાબિત થયા છે.વાઇબ્રન્ટ ગુજરાત અને ડિફેન્સ એક્સપોને ધ્યાને રાખી કાર્યક્રમ યોજાયો.વડાપ્રધાને 2030 સુધીમાં ભા૨તને ડ્રોન મેન્યુફેક્ચરીંગ હબ બનાવવાના આપેલા વિઝનને ધ્યાનમાં રાખી દેશના વિવિધ રાજ્યોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી ૨હ્યું છે.ડ્રોન મહોત્સવમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ હાજર રહ્યાં હતા.વિદ્યાર્થીઓ, સ૨કારી અધિકારીઓ સહિતના 400 થી 500 સહભાગીઓએ ભાગ લીધો.
જીએમડીસી ગ્રાઉન્ડ,અમદાવાદ ખાતે આયોજીત ‘ગુજરાત ડ્રોન મહોત્સવ’માં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો હતો. pic.twitter.com/gwkfUZflOX
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 26, 2021
ગુજરાત ડ્રોન મહોત્સવમાં કંપનીઓ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકો દ્વારા ડ્રોન ટેકનોલોજી અને તેના ઉપયોગનું નિદર્શન કરવામા આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત ડ્રોન મહોત્સવને સંબોધતા જણાવ્યું હતું કે, ભવિષ્યમાં અનેકવિધ ક્ષેત્રોમાં ડ્રોન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થશે. તેમણે જણાવ્યું હતું કે કૃષિ,સંરક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં તે મહત્વની ભૂમિકા ભજવશે.
મુખ્યમંત્રીએ વર્તમાન યુગમાં ડ્રોનના વધી રહેલા મહત્વને રેખાંકિત કરતા કહ્યું કે, આજે સંરક્ષણ, પર્યાવરણ, કૃષિ અને આરોગ્ય જેવા મહત્વના ક્ષેત્રોમાં ડ્રોનનો ઉપયોગ વધી રહ્યો છે અને આ દિશામાં થઈ રહેલા પ્રયાસોને વધુ વેગવાન બનાવવા માટે ગુજરાત ડ્રોન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ GMDC ખાતે આયોજિત ગુજરાત ડ્રોન મહોત્સવ દરમિયાન ડ્રોન ટેકનોલોજી અને તેના વપરાશ અંગેનું નિદર્શન નિહાળ્યું હતું.આ ડ્રોન મહોત્સવના આયોજનમાં ગુજરાત સરકાર ઉપરાંત રાજ્યની વિવિધ ડ્રોન કંપનીઓ, ભારત સરકારનું નાગરિક ઉડ્ડયન મંત્રાલય,ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયા, ગુજરાત યુનિવર્સિટી અને IDSR જેવી સંસ્થાઓ સહભાગી થઈ હતી. જેમાં યુનિવર્સિટીના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો, ખેડૂતો, સંશોધકો, પ્રશાસકો અને સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
આ મહોત્સવ દરમિયાન વિવિધ કંપનીઓ, ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક ડ્રોન ટેકનોલોજી અને તેના ઉપયોગો અંગે નિદર્શન કરવામાં આવ્યું હતુ. નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી વિભાગો, સંરક્ષણ, લશ્કરી સંસ્થાઓ દ્વારા ડ્રોનનો ઉપયોગ વધી રહ્યો છે.
વળી તે, ખેતીવાડી, વન, આરોગ્ય, ફાયરબ્રિગેડ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં પણ દિન-પ્રતિદિન તેનું મહત્વ વધી રહ્યું છે.દેશમાં ડ્રોનના ઉપયોગકર્તા- ખેડૂતો, વિદ્યાર્થીઓ, સરકારી અને ખાનગી સંસ્થાઓમાં જાગૃતિ આણવાના હેતુથી આ ડ્રોન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત અને ડિફેન્સ એક્ષ્પોના આયોજનોને પણ આ કાર્યક્રમ થકી બળ મળશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ કાર્યક્રમના આયોજન માટે પ્રદીપ પટેલ ( સીઈઓ, પ્રાઈમ યુએવી)ની પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સીટી ડેવલપમેન્ટ લિમિટેડ,અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ મુખ્ય પ્રાયોજક હતા, જ્યારે બ્લૂ રે એવિએશન સહ-પ્રાયોજક હતા.
આ કાર્યક્રમમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)ના સેક્રેટરી અંબર દુબે તેમજ એર માર્શલ આર.કે.ધીર તેમ જ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રોનનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનું પણ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
Published On - 5:48 pm, Fri, 26 November 21