અમદાવાદ (Ahmedabad) માં સરખેજ (Sarkhej)ખાતે આવેલા ભારતી આશ્રમમાં વિશ્વ હિંદુ પરિષદ (Viswa hindu parishad) ની કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ઠરાવ થયા છે. આ બેઠકમાં પારિત કરાયેલા પ્રસ્તાવોમાં હિંદુ મંદિરોના વહીવટને લઇને મહત્વનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં હિન્દુ મંદિરો (temples) અને ધાર્મિક સંસ્થાઓને સરકારી (government) નિયંત્રણથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે અને તેમાં દાનમાં કરોડો રૂપિયા આવે છે તે ધર્મના કામમાં વાપરવાની અપીલ કરી છે.
રાજ્યમાં અત્યારે અંબાજી, સોમનાથ, દ્વારકા, બહુચરાજી સહિત 32 મંદિરનું સંચાલન ટ્રસ્ટોના હાથમાં છે અને તેના મુખ્ય હોદ્દેદાર સરકારના માણસો છે આથી આ મંદિરોનો વહીવટ સરકાર દ્વારા જ કરાતો ગણાય છે. આ વહીવટી દૂર કરી દાન પેટે આવતાં કરોડો રૂપિયાનો ઉપયોગ માત્ર હિન્દુ સમાજ માટે કરવાની માગણી વિશ્વ હિન્દુ પરિષદે કરી છે. ઉત્તર ગુજરાતના વિવિધ સંપ્રદાયના સંતોની અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં દેશભરના મંદિરોમાંથી સરકારી હસ્તક્ષેપ દૂર કરવાનો કાયદો કેન્દ્રીય સ્તરે બનાવવાની રજૂઆત કરાઈ છે.
વિહિપની કેન્દ્રીય બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ઠરાવ થયા છે. વિવિધ મંદિરમાં સરકારની દરમિયાનગીરી ન હોય અને મંદિરમાં આવતું ફંડ માત્રને માત્ર હિન્દુ સમાજ માટે જ ઉપયોગમાં લેવાય તેવી માગ છે. બેઠકમાં માગણી કરાઈ હતી કે, જે તે મંદિરના સંચાલનની સંપૂર્ણ સત્તા સ્થાનિક સ્તરે સોંપાવી જોઈએ. સંચાલનમાં સ્થાનિક વહીવટી તંત્રના હોદ્દેદાર મંદિરના ટ્રસ્ટના મુખ્ય હોદ્દા પર હોવાથી સીધી રીતે સરકારનો વહીવટ હોય છે.
વિહિપે મંદિરના સંચાલન-વહીવટ સામે વાંધો ઉઠાવી માગ કરી છે કે મંદિરનું સંચાલન સ્થાનિક સ્તરે હિન્દુ સમાજના અગ્રણીને સોંપાય. મોટા મોટા મંદિરોમાં આવતી દાનની રકમ અન્ય ધર્મ માટે ખર્ચાય છે, આ રકમનો ઉપયોગ માત્ર હિન્દુ સમાજના હિત માટે જ થવો જોઈએ. ગેરકાયદે ધર્માંતરણની પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય સ્તરે એક કાયદો બનાવવાની જરૂર છે. જે અનુસૂચિત જનજાતિના લોકો ધર્મ બદલે છે,પરંતુ ઘણાં કિસ્સામાં તેઓ હિન્દુ તરીકેનો લાભ લે છે, જે બંધ થાય તે હેતુથી ધર્માંતરણ મુદ્દે કેન્દ્રીય સ્તરે કાયદો બનાવવો જોઇએ.
આ પણ વાંચોઃ હરિધામ સોખડા વિવાદઃ કલેક્ટર ઓફિસ બહાર જ બંને પક્ષના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ
Published On - 5:17 pm, Wed, 16 March 22