AHMEDABAD : CM ભૂપેન્દ્ર પટેલે NHRCLના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની સમીક્ષા કરી

Ahmedabad-Mumbai high speed rail project : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ પ્રોજેક્ટની વિવિધ પ્રગતિ હેઠળની કામગીરીનું વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું.

AHMEDABAD  : CM ભૂપેન્દ્ર પટેલે NHRCLના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં  અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની સમીક્ષા કરી
CM Bhupendra Patel reviews Ahmedabad-Mumbai high speed rail project
| Edited By: | Updated on: Dec 19, 2021 | 9:07 PM

AHMEDABAD : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં હાથ ધરાઇ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.આ હેતુસર મુખ્યમંત્રીએ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર અગ્નિહોત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન તથા મુખ્ય સચિવ પંકજકુમાર આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સાથે સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ પ્રોજેક્ટની વિવિધ પ્રગતિ હેઠળની કામગીરીનું વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું.ગુજરાતમાં આ પ્રોજેક્ટ અન્વયે કુલ 352 કિલોમીટર એટલે કે 98 % જમીન સંપાદન કાર્ય પૂરું થયું છે.
આવી સંપાદિત જમીન પર 343 કિલોમીટરમાં સિવિલ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર અગ્નિહોત્રીએ મુખ્યમંત્રીને આ વિગતો આપતા ઉમેર્યું કે, ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ એમ 8 જિલ્લાઓમાં સબ-સ્ટ્રક્ચર અને સુપર-સ્ટ્રક્ચરના કામો પ્રગતિમાં છે. એટલું જ નહીં, નર્મદા, તાપી, મહી જેવી મહત્વની નદીઓ જે આ ટ્રેનના રૂટમાં આવે છે તેના ઉપર પણ કાર્યવાહી ચાલુ છે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રોજેક્ટની કામગીરીમાં વધુ વેગ લાવવાના હેતુસર સ્ટ્રેડલ કેરિયર અને બ્રિજ ગેન્ટ્રી જેવી ભારી સાધન-સામગ્રીના ઉપયોગથી ફુલ સ્પાન બોક્સ ગ્રાઈડર ઉભા કરવામાં આવે છે.આવું પ્રથમ ગ્રાઈડર નવસારીમાં નવેમ્બર 2021માં સફળતાપૂર્વક ઊભું થઈ ગયું છે.
જિયોટેકનિકલ ઇન્વેસ્ટિગેશન માટે સુરતમાં એશિયાની સૌથી મોટી જિયોટેકનિકલ લેબ પણ શરૂ કરવામાં આવી છે તેમ કોર્પોરેશનના એમ.ડી. અગ્નિહોત્રીએ બેઠકની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલી ઝડપી કામગીરીની સરાહના કરતા રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.સમીક્ષા બેઠક દરમિયાન આ પ્રોજેક્ટની અન્ય બાબતો અંગેની ચર્ચા પરામર્શમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રોજેક્ટના પરિણામે પ્રત્યક્ષ-પરોક્ષ એટલે કે ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ મળી 60 હજાર જેટલા લોકોને રોજગાર અવસર મળશે.

ગુજરાતમાં જમીન અને બાંધકામ બેય મળીને 72 હજાર કરોડનું રોકાણ આ પ્રોજેક્ટ માટે થવાનું છે, તે પૈકી 14,200 કરોડનો ખર્ચ વિવિધ કામો માટે અત્યાર સુધીમાં થયો છે.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુંબઇ-અમદાવાદ વચ્ચેની ભવિષ્યમાં શરૂ થનારી આ હાઇસ્પિડ રેલ ટ્રેન કલાકના 320 કિલોમીટરની ઝડપે દોડશે. મુંબઈ અમદાવાદનું અંતર આ ટ્રેન 3 કલાકમાં પૂર્ણ કરશે. મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં આ પ્રોજેક્ટના વરિષ્ઠ અધિકારીઓ અંજુમ પરવેઝ, રાજેન્દ્ર પ્રસાદ, પ્રમોદ શર્મા તથા અરુણકુમાર બીજલવાન પણ જોડાયા હતા.

Published On - 7:59 pm, Sun, 19 December 21