
નવરાત્રિ દરમિયાન ગરબાના શોખીનોને નિશાન બનાવીને ઓનલાઇન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં અનંત બ્રહ્માંડ ગરબા ઇવેન્ટના નામે નકલી પાસ વેચીને લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસને કરવામાં આવી છે. આરોપીઓએ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના નામ અને લોગોનો ઉપયોગ કરીને નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને ઇમેઇલ આઇડી બનાવ્યાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
મળતી માહિતી મુજબ, અનંત બ્રહ્માંડ ગરબા ઇવેન્ટનું આયોજન 14 ઓક્ટોબરના રોજ રાંચરડા-થોળ રોડ પર અરવિંદ એપલવુડ્સ નજીક કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ માટે ઓનલાઇન ટિકિટનું વેચાણ 19 ઓગસ્ટથી શરૂ થયું હતું. આયોજકો દ્વારા ટિકિટના ભાવ ₹4,000થી ₹10,000 સુધી રાખવામાં આવ્યા હતા.
12 ઓક્ટોબરના રોજ એક વ્યક્તિએ આયોજકોના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો સંપર્ક કરીને જાણ કરી હતી કે તેણે અન્ય એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ₹3,100માં ગરબાનો પાસ ખરીદ્યો છે. તેણે પાસની ખરાઈ કરવા માટે QR કોડ અને કન્ફર્મેશન ઇમેઇલનો સ્ક્રીનશોટ પણ મોકલ્યો હતો. તપાસ કરતાં આયોજકોને પાસ નકલી હોવાનું જાણવા મળ્યું હતું. કન્ફર્મેશન ઇમેઇલ પણ કંપનીના સત્તાવાર ઇમેઇલ આઇડી પરથી મોકલવામાં આવ્યો નહોતો.
બીજા દિવસે અન્ય એક વ્યક્તિને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો. તેમાં ₹6,000ની કિંમતનો ગરબાનો પાસ માત્ર ₹2,000માં આપવાની ઓફર કરવામાં આવી હતી. જોકે, આયોજકોએ આ વ્યક્તિને પાસ ન ખરીદવાની સલાહ આપી હતી.
આ સમગ્ર મામલે આયોજકોએ 13 ઓક્ટોબરના રોજ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરીને લેખિત અરજી આપી હતી. ફરિયાદમાં અજાણ્યા શખસો પર કંપનીના નામ અને લોગોનો દુરુપયોગ કરીને નકલી પાસ વેચી લોકો પાસેથી પૈસા મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
સાયબર ક્રાઇમ પોલીસે લોકોને અજાણ્યા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, સોશિયલ મીડિયા પોસ્ટ અથવા અવિશ્વસનીય લિંક દ્વારા ગરબાના પાસ ખરીદવાથી બચવાની સલાહ આપી છે. નકલી લિંક પર ક્લિક કરવાથી બેંકિંગની ગુપ્ત માહિતી ચોરાવા અથવા ખાતામાંથી નાણાં ગુમાવવાનું જોખમ પણ રહે છે.
ગરબાના પાસ ખરીદતાં પહેલાં ઇવેન્ટની સત્તાવાર વેબસાઇટ અને આયોજકો પાસેથી તેની ખરાઈ કરવી જરૂરી છે. સસ્તા પાસની લાલચમાં અજાણ્યા વ્યક્તિને ઓનલાઇન પેમેન્ટ કરવાથી બચવું જોઈએ.