અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનની ચૂંટણી પહેલા સ્થાનિક રહીશોના પ્રશ્નોને વાચા આપવા માટે ફરિયાદ નિવારણ વોર્ડ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે AMCના અધિકારીઓ-પદાધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે આજથી ઉત્તર-પશ્ચિમ ઝોનના નાગરિકો માટે પણ આ આયોજન કરાયુ હતું.
આ કાર્યક્રમમાં જગતપુર વિસ્તારમાં આવેલી ગોદરેજ ગાર્ડન સીટીના રહીશો મોટી સંખ્યામાં રજુઆત કરવા માટે આ ફરિયાદ નિવારણ વોર્ડ સભામાં પહોંચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગટર, પાણી, રોડ-રસ્તા, લાઈટ જેવા પાયાની સુવિધાઓથી વંચિત હોવાને પગલે ગુસ્સે ભરાયેલા રહીશોએ ઉગ્ર રજુઆત પુરાવાઓ સાથે કરતા સ્થાનિક જુનિયર કક્ષાના અધિકારીઓને પરસેવો વળી ગયો હતો.
સમય પારખીને પલાયન થઈ ગયેલા અધિકારીઓ વચ્ચે આ વોર્ડ સભામાં જવાબદાર કોણ તે નક્કી કરવું મુશ્કેલ થઈ ગયું હતું. રહીશોના મિજાજ પારખીને હાજર થયેલા 3 કોર્પોરેટરોનો પણ ઉધડો લેવાયો હતો. અધિકારીઓએ કેટલી ફરિયાદ સાંભળી તે અલગ વાત હતી પણ કોર્પોરેટરોને AC વચ્ચે પરસેવો આવી ગયો હતો.
ગોદરેજ ગાર્ડન સીટી વિસ્તારના વિવિધ ક્લસ્ટરોના રહીશો અને ચેરમેન દ્વારા ટીવી 9 સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ જાણે બિલ્ડરથી છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. બિલ્ડરને ચુકવવામાં આવેલા પૈસામાં કોર્પોરેશનનો ઉલ્લેખ છે જ્યારે કે AMC ના અધિકારીઓ AUDA મા રજુઆત કરવાની સલાહ આપે છે. તંત્ર અને તાકાત વચ્ચે રહીશો પીસાઈ રહ્યા છે પણ ના બિલ્ડરના પેટનું પાણી હલે છે ના તો કોર્પોરેશન કે ઔડાને કોઈ ફરક પડી રહ્યો છે.
જણાવવું રહ્યું કે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો વિધાનસભા વિસ્તાર અને ગૃહપ્રધાન અમિત શાહનો લોકસભા વિસ્તાર પડતો હોવા છતા અને વારંવારની રજુઆતો બાદ પણ રહીશોનું કોઈ સાંભળી નથી રહ્યું. જણાવવું રહ્યું કે આજના આ રજુઆત કાર્યક્રમમાં મહિલાઓએ આક્રમક રીતે મોરચો સંભાળતા સ્થાનિક કોર્પોરેટરોને શું જવાબ આપવો તે ખબર નોહતુ પડી રહ્યું.
રહીશોના ઉગ્ર વિરોધ વચ્ચે કોર્પોરેટરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરનો પણ સંપર્ક સાધવા માટેની કોશિશ કરવામાં આવી હતી જો કે તે શહેર બહાર હોવાનું જાણવા મળ્યુ હતું. એક સિનિયર અધિકારીએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાળવાની એ રીતે મોખિક કોશિશ કરી હતી કે આ બિલ્ડરના આગામી અને અત્યારે ચાલતા પ્રોજક્ટોની પરમિશન પર રોક લગાડવામાં આવશે.
જો કે આ દિલાશો કેટલો સાચો ઠરે છે તો આગામી સમય જ બતાવશે પણ જે રીતે સ્થાનિકોનો મુડ છે તે મુજબ આગામી કોર્પોરેશનની ચૂટણી સમયે ભાજપના કોર્પોરેટરો માટે અને તંત્ર માટે માથાના દુ:ખાવા રૂપ સાબિત થશે તે નક્કી છે અને મળતી માહિતિ પ્રમાણે રહીશો મતદાન બહિષ્કારનું પણ શસ્ત્ર ઉગામી શકે છે.