અમદાવાદમાં (Ahmedabad)દારૂબંધીની વાતના લીરાં ઉડાડતી ઘટના સામે આવી હતી અને સીજી રોડ પર પોલીસ ચોકીમાં 1 પોલીસ કર્મી જ સહિત 3 ટીઆરબી (TRB)જવાનો દારૂ પાર્ટી કરતા જોવા મળ્યા હતા. અમદાવાદના સીજી રોડ પર આવેલા ટ્રાપિક પોલીસની ચોકીમાં 1 પોલીસકર્મી અને ત્રણ TRB (Traffic Brigade )ના જવાનો દારૂ પીતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં ઝડપાઈ ગયા હતા. વળી આ જવાનોએ તો પોલીસ ચોકીમાં જ દારૂ પાર્ટી કરી લીધી હતી. આ ઘટનામાં કાન્તી નામનો પોલીસ જમાદાર, સોનુ , રાકેશ અને દીનેશ નામના ત્રણ ટીઆરબી જવાન દારૂ પીતાં ઝડપાયા હતા.
જોકે આ ઘટનાની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતા તાત્કાલિક પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસ કર્મી તેમજ ટીઆરબી જવાન સામે ગુનો દાખલ કર્યો હતો. તેમજ ઘટનાની તપાસ હાથ ધરી હતી.
આ ઘટના બાદ પોલીસ તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે કે જે પોલીસ કર્મચારીઓએ દારૂબંધીનો અમલ કરાવવાનો હોય તેઓ જ ખુલ્લેઆમ દારૂનું સેવન કરી રહ્યા છે અને પોલીસની છબીને ખરાબ કરી રહ્યા છે. જો પોલીસ જ આવું કરશે તો બુટલેગરો સામે કાર્યવાહી કરશે તેવા પણ પ્રશ્નો ઉઠ્યા હતા. તો એ પ્રશ્ન પણ ઉઠ્યો હતો કે ખુલ્લેઆમ પોલીસ ચોકીમાં દારૂ કેવી રીતે આવ્યો અને આ જવાનોએ અગાઉ કેટલીવાર આવી રીતે પાર્ટી કરી છે ? સાથે જ મહત્વનો પ્રશ્ન પણ ઉઠ્યો હતો કે કોની રહેમ નજર હેઠળ આ પાર્ટી ચાલતી હતી?
Published On - 7:55 am, Mon, 13 June 22