Ahmedabad: અમદાવાદમાં ફરી એક વખત ડ્રગ્સની હેરાફેરી કરતો પેડલર (Drug Peddler) ઝડપયો છે. ડ્રગ્સનો નશો કરવા માટે આરોપી ડ્રગ્સનો પેડલર બન્યો. ક્રાઇમ બ્રાન્ચે જુહાપુરામાં ફતેહવાહી કેનાલ નજીકથી રૂ 18 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. ડ્રાઇવરમાંથી ડ્રગ્સ પેડલર બનેલો કોણ છે આ આરોપી જોઈએ આ અહેવાલમાં.
ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં જોવા મળતો આરોપી શાહરુખ ખાન પઠાણ MD ડ્રગ્સની હેરાફેરી કરતા જુહાપુરા માં ફતેહવાડી નજીકથી ઝડપાયો હતો. તેની પાસેથી રૂ 18 લાખનું 186 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી JCB મશીનનો ડ્રાઇવર હતો. પરંતુ છેલ્લા 6 માસથી ડ્રગ્સના નશાની કુટેવના કારણે ડ્રગ્સ પેડલરો અને વેપારીઓના સંપર્કમાં આવ્યો. જેથી શોર્ટ કટમાં પૈસા કમાવવા ડ્રાઇવર માંથી ડ્રગ્સ પેડલર બની ગયો.
પકડાયેલા ડ્રગ્સ પેડલર શાહરૂખની પૂછપરછમાં રાજેસ્થાનના બાદશાહ નામના વ્યક્તિનું નામ ખુલ્યું છે. આરોપી મૂળ સાબરકાંઠાનો રહેવાસી છે. જેથી રાજેસ્થાનથી ડ્રગ્સનો જથ્થો હિંમતનગર આવતો હતો. આરોપી શાહરૂખ બાદશાહના સાગરીત પાસેથી ડ્રગ્સનો જથ્થો લઈને ગાડીમાં અમદાવાદમાં ફતેહવાડી નજીક અન્ય વ્યક્તિને ડ્રગ્સ પહોંચાડતો હતો. આ ડ્રગ્સની હેરાફેરી કરવા તેને રૂપિયા 20 હજાર કમિશન મળતું હતું.
આ ડ્રગ્સના નેટવર્કમાં રાજેસ્થાનથી ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે રાજેસ્થાન ના બાદશાહ અને હિંમતનગર તેમજ ફતેહવાડીના ડ્રગ્સ પેડલર વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.