AHMEDABAD : કેરળ સહિત અન્ય કેટલાક રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધ્યા છે. કેન્દ્ર સરકારે પણ ચેતવણી આપી છે કે કોરોનાની બીજી લહેર હજી પૂરી થઇ નથી. ગુજરાતમાં હાલ કોરોના નિયંત્રણમાં છે, પણ ગુજરાતમાં પણ આ રાજ્યોની જેમ કોરોનાના કેસો બંધ વધી શકે છે. કારણ કે ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને કાલુપુર રેલ્વે સ્ટેશન પર બહારથી આવતા મુસાફરોનું કોરોના ટેસ્ટીંગ બંધ છે.
આ વાત કહેવામાં કોઈ અતિશયોક્તિ નહિ લાગે કે બીજી લહેર માંથી તંત્ર કોઈ શીખ લઈ શક્યું નથી. કેમ કે કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજયમાં કેસ હાલમાં વધી રહ્યા છે. જ્યાંથી મુસાફરો અમદાવાદમાં રેલવે અને એસ ટી તેમજ હવાઈ માર્ગે શહેરમાં પ્રવેશી શકે છે. પણ આવા કોઈ સ્થળે હાલમાં ટેસ્ટિંગની વ્યવસ્થા નથી, જે શહેરને મુશ્કેલીમાં મૂકી શકે છે. ગુજરાતમાં કોઈ પણ સ્ટેશન પર આવી વ્યવસ્થા જોવા મળી નથી. જે પણ રાજ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.
મહત્વનું છે કે ત્રીજી લહેરની શક્યતાઓ સાથે AMC એ તૈયારી શરૂ કરી. જેમાં કેટલી હોસ્પિટલ, બેડ, દવાનો સ્ટોક સહિત વ્યવસ્થા ઉભી કરવા જેવી તમામ બાબતો પર ધ્યાન અપાઈ રહ્યું છે. પણ તેવામાં AMCનું આરોગ્ય તંત્ર જ ખુદ ભૂલી ગયુ લાગે છે કે અન્ય રાજ્ય કે જ્યાં કેસ વધી રહ્યા છે ત્યાંથી આવતા મુસાફરોનું ટેસ્ટિંગ થવું જરૂરી છે. આ માટે જ હાલમાં કાલુપુર રેલવે સ્ટેશન અને એસ ટી સ્ટેન્ડ પર ટેસ્ટિંગની કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી. જે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી શકે છે.
એટલું જ નહીં પણ તેની સામે જે કોવિડ ગાઈડ લાઈન એટલે કે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ ફરજિયાત જાળવવાનું છે,તેનો પણ અભાવ જોવા મળ્યો જે શહેરમાં ત્રીજી લહેર જલ્દી નોતરી શકે છે. તો સાથે જ લોકો વેક્સિન લીધા બાદ પોતાને સુરક્ષિત માની ગાઈડલાઈનનું અનુસરણ નહિ કરતા હોવાનું પણ જણાઈ રહ્યું છે. કેમ કે દરેક મુસાફરોને ખબર છે કે માસ્ક પહેરવું ફરજીયાત છે જોકે તેમ છતાં મુસાફરો જાણી ને અજાણ બનતા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પહેલી લહેરમાં રેલવે વ્યવહાર બંધ કરાયો હતો. ત્યાર બાદ બીજી લહેરમાં શરતોને આધીન રેલવે વ્યવહાર શરૂ કરાયો. જેમાં બહારના શહેર અને રાજ્યમાંથી આવતા લોકોનું ફરજીયાત ટેસ્ટિંગ કરવામાં આવતું હતું. જેથી પોઝીટીવ લોકોને તારવી શકાય. જોકે હાલમાં અન્ય રાજ્યમાં કેસ વધ્યા હોવા છતાં પણ ન તો રેલવે વિભાગ કે ન તો AMC તેના પર ધ્યાન આપી રહ્યું છે, જે શહેરીજનો માટે ઝોખમી રૂપ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : Ahmedabad: શહેરના મીરા સિનેમા વિસ્તારમાં ભૂવો પડતા લોકોને હાલાકી
આ પણ વાંચો : AHMEDABAD : કે.કા શાસ્ત્રી સરકારી કોલેજના ખાનગીકરણના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું અનોખું વિરોધ પ્રદર્શન