Ahmedabad: લોકો AMTS અને BRTS બસ ફરી શરૂ થાય તેની રાહમાં, તો આ તરફ મ્યુનિસિપલ તંત્ર મૂંઝવણમાં છે

|

Jun 03, 2021 | 8:17 PM

મધ્યમવર્ગના લોકો માટે તો પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. એક બાજુ ધંધા રોજગાર નથી તો બીજી બાજુ કામ પર જવા લોકોએ ડબલ રૂપિયા ચૂકવીને રીક્ષામાં જવાનો વારો આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં ધંધા રોજગાર માટે આંશિક રાહત આપ્યા બાદ હવે લોકો AMTS અને BRTS બસ ફરી શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. મધ્યમવર્ગના લોકો માટે તો પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. એક બાજુ ધંધા રોજગાર નથી તો બીજી બાજુ કામ પર જવા લોકોએ ડબલ રૂપિયા ચૂકવીને રીક્ષામાં જવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના કહેરથી રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી લોકડાઉન જેવી સ્થિતિ હતી. હવે કોવિડ 19 ના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, તેથી પ્રતિબંધોમાં પણ છૂટછાટ મળવા લાગી છે. સરકારે દુકાનો તથા લારી-ગલ્લા ધારકોને રાહત આપી છે અને 4 જૂનથી તેઓ વેપાર-ધંધા સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકશે.

રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂમાં કોઈ ફેરફાર કર્યો નથી. મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કેટલાક મહત્વના નિર્ણયો લીધા હતા. જે મુજબ રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તથા અન્ય વ્યાપારિક ગતિવિધી 4 જૂનથી સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના વેપારીઓએ અનેક વખત વેપાર-ધંધામાં છૂટછાટ આપવાની માગ કરી હતી પરંતુ સરકાર કોઈ જોખમ ઉઠાવવા માંગતી ના હતી. હવે પરિસ્થિતિમાં સુધારો થતા સરકાર ધીમે ધીમે નિયંત્રણોમાં છૂટછાટ આપી રહી છે. 36 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ ઉપરાંત કેટલાક પ્રતિબંધ હતા તે સરકાર હવે ધીમે ધીમે હળવા કરી રહી છે.

Next Video